કચ્છના બગડા ગામમાં ચોર ત્રાટક્યા

29 December, 2014 03:26 AM IST  | 

કચ્છના બગડા ગામમાં ચોર ત્રાટક્યા




મુંબઈમાં અંધેરી, વિલે પાર્લે, દાદર જેવા વિવિધ પરાંમાં વસતા કચ્છી વીસા ઓસવાળ સમાજના લક્ષ્મીચંદ છેડા, લક્ષ્મીચંદ વોરા, જાધવજી વોરા, પ્રવીણ ચંદ્રુવા, વેલજી છેડા, પોપટ લખમશી તેમ જ કચ્છના મુંદરાના રહેવાસી નયન દેઢિયાના કચ્છમાં આવેલા મૂળ ગામ બગડામાં શનિવારે મોડી રાતે ચોરોની ટોળકી ત્રાટકી હતી અને ઠાકુર મંદિર સહિત ૭ બંધ ઘરોમાં ચોરી કરી હતી. આ ઘટનામાં ચોરોએ લાખો રૂપિયાની રોકડ રકમ અને ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું ગામના રહેવાસીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. કચ્છના મુંદરા ડિવિઝન પોલીસે ઘરફોડીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમ જ ચોરોએ એક રાત નહીં, પરંતુ બે રાત દરમ્યાન પ્લાનિંગથી ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

આ વિશે વધુ માહિતી આપતાં મુંબઈના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈમાં રહેતા ૬ લોકોનાં ઘર તથા મુંદરામાં રહેતા એકનું ઘર તેમ જ ગામમાં આવેલું ઠાકુર મંદિર મળી ૮ સ્થળોએ ચોરી થઈ છે. હાલમાં ગામમાં રહેલા અમારા સગાંસંબંધીઓએ આપેલી માહિતી પ્રમાણે અમારા ઘરમાંથી ચાંદીનું છત્તર, ચાંદીનું તોરણ, ચાંદીની ઘીની કુલડી તેમ જ અન્ય રોકડ રકમ ચોરાઈ છે. એ સિવાય મંદિરમાંથી ભગવાનનાં ધનુષ-બાણની ચોરી થઈ છે, પરંતુ કોઈ પ્રકારની રકમ કે અન્ય વસ્તુ ચોરાઈ નથી. આ ઘટનામાં અન્ય લોકોનાં ઘરોમાંથી પણ ચાંદી તેમ જ રોકડ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે. અમારા ગામમાં ચોરી તેમ જ લૂંટની નાની-મોટી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ૭ ઘરનાં તાળાં તૂટવાથી ગામવાસીઓ રોષે ભરાયા છે અને પોલીસ પણ કડક રીતે કાર્યવાહી કરી રહી છે.’