02 June, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)ના કુર્લા (Kurla) ઈસ્ટ વિસ્તારમાં શનિવારે રાત્રે એક દર્દનાક અકસ્માત (Road accident) સામે આવ્યો છે. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી એસયુવી (SUV) કારે એક ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર સહિત અન્ય ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૫૫ વર્ષીય કરિયાણાની દુકાનના કર્મચારીનું મોત Kurla SUV Crash () નીપજ્યું છે. અકસ્માત બાદ કાર ચાલક શરૂઆતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયો હતો, પરંતુ ત્યાં દાખલ કર્યા બાદ તે નાસી છૂટ્યો હતો. મુંબઈ પોલીસ (Mumbai Police)એ આ મામલે ગુનો નોંધી ફરાર આરોપી ચાલકની શોધખોળ શરૂ કરી છે.
મૃતકની ઓળખ કન્હૈયા વર્મા તરીકે થઈ છે, જેઓ કુર્લા ઈસ્ટના નેહરુ નગર વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા. મૂળ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગાઝીપુર (Ghazipur)ના વતની કન્હૈયા વર્મા અને તેમનો પરિવાર છેલ્લા આશરે ત્રણ દાયકાથી આ કરિયાણાની દુકાન સાથે જોડાયેલો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શનિવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે નેહરુ નગર (Nehru Nagar)ના શિવ સૃષ્ટિ કોલોની (Shiv Srushti Colony) વિસ્તારમાં અજિથા બિલ્ડિંગ (Ajitha Building) નજીક સર્જાયો હતો. કન્હૈયા વર્મા દુકાનના ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર વાહનમાં સામાનની ડિલિવરી કરવા માટે ચુનાભટ્ટી (Chunabhatti) વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન એક મારૂતિ સુઝુકી બ્રેઝા (Brezza) કારે તેમના વાહનને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ એસયુવી કાર એટલી સ્પીડમાં હતી કે તેણે ત્યાં પાર્ક કરેલી અન્ય ત્રણ કારને પણ અડફેટે લીધી હતી, જેના કારણે ચારેય વાહનોને ભારે નુકસાન થયું હતું.
દુકાનમાં જ કામ કરતા મૃતકના ૨૫ વર્ષીય પુત્ર વિશાલ વર્માને એક મહિલાનો ફોન આવ્યો હતો, જેણે જણાવ્યું કે દુકાનનું ઇલેક્ટ્રિક વાહન અકસ્માતનો ભોગ બન્યું છે. તેના પિતા સામાન આપવા બહાર ગયા હોવાનું યાદ આવતા જ વિશાલ તેના સાથી કર્મચારી દીપક થોસર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ત્યાં તેમને દુકાનનું ક્ષતિગ્રસ્ત વાહન અને અન્ય ત્રણ ગાડીઓ અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, બ્રેઝા કારે ઊભી રહેતા પહેલા એકસાથે અનેક વાહનોને ટક્કર મારી હતી.
ત્યાં હાજર સ્થાનિક લોકોએ વિશાલને જણાવ્યું કે, એસયુવીનો ચાલક તેના પિતાને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલ (Rajawadi Hospital) લઈ ગયો છે. જો કે, જ્યારે પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ડોક્ટરોએ તેમને જણાવ્યું કે હોસ્પિટલ લાવતા પહેલા જ કન્હૈયા વર્માનું મોત નીપજ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘આરોપી ડ્રાઈવર મૃતકને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો.’ હાલમાં આરોપીનો કોઈ પત્તો મળ્યો નથી અને તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે રવિવારે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita - BNS)ની કલમ ૧૦૬ (બેદરકારીથી મોત નીપજાવવું) અને ૨૮૧ (જાહેર માર્ગ પર ગફલતભર્યું વાહન ચલાવવું) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.