કુર્લા રેલવે-સ્ટેશને ટિકિટ-વિન્ડો પરના ક્લર્કને પ્રવાસીઓએ માર્યો

17 October, 2011 09:07 PM IST  | 

કુર્લા રેલવે-સ્ટેશને ટિકિટ-વિન્ડો પરના ક્લર્કને પ્રવાસીઓએ માર્યો

 

ટેક્નિકલ પ્રૉબ્લેમ થવાથી પબ્લિકની ધીરજ ખૂટી ગઈ : બનાવ બાદ બે કલાક કાઉન્ટરો બંધ રખાયાં

બુકિંગ કાઉન્ટરના પ્રિન્ટરમાં પેપર ફસાઈ ગયું હતું અને બુકિંગ ક્લર્ક ટિકિટની પ્રિન્ટ કાઢી નહોતો શક્યો. આને કારણે પ્રવાસીઓમાં રાહ જોવાની ધીરજ રહી નહોતી અને તેઓ ટિકિટ-કાઉન્ટર પર બેસેલા સુરેન્દ્ર ઉનાવને જોરજોરથી બોલવા લાગ્યા હતા. આ લોકોને લાઇનમાં ઊભેલા બીજા લોકોનો સપોર્ટ મળ્યો હતો. ટેક્નિકલ પ્રૉબ્લેમ આવવાને કારણે ક્લર્ક કમ્પ્યુટરાઇઝ્ડ ટિકિટ આપવાને બદલે કૂપન આપવા લાગ્યો હતો, પરંતુ થોડા સમયમાં અમુક લોકો બુકિંગ ઑફિસમાં ઘૂસીને ક્લર્કને ચંપલથી મારવા લાગ્યા હતા. ત્યાર બાદ કુર્લા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ ઘટના બનતાં બધાં ટિકિટ-કાઉન્ટરો ગઈ કાલે બપોરે પોણાચાર વાગ્યે બંધ કરી દેવામાં આવ્યાં હતાં અને બીજા સ્ટેશનો પર પણ આનું અનુકરણ કરવામાં આવ્યું હતું. રેલવેના અધિકારીઓએ યુનિયનના અધિકારીઓ સાથે વાત કર્યા બાદ બધું થાળે પડ્યું હતું અને સિક્યૉરિટીનું આશ્વાસન આપ્યા બાદ છ વાગ્યે ટિકિટ-વિન્ડો ખોલવામાં આવી હતી. જોકે સોમવારથી વધુ એક ક્લર્ક રાખવાનો નર્ણિય રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. કુર્લા સ્ટેશન પર ટિકિટ-વિન્ડો પર હંમેશાં ગિરદી જોવા મળતી હોય છે અને આને કારણે પ્રવાસીઓએ ટિકિટ-વિન્ડોે વધારવામાં આવે એવી અનેક વાર માગણી કરી છે, પરંતુ એમ ન થતાં પૅસેન્જરોએ ઘણા સમય સુધી ટિકિટની લાઇનમાં ઊભું રહેવું પડે છે.