જ્વેલર સાથે વિશ્વાસઘાત

05 June, 2025 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુર્લાનો દિલીપ જૈન હૉસ્પિટલમાં ઍડ્‍મિટ દીકરાને મળવા ગયા એટલી વારમાં વિશ્વાસુ મૅનેજર ૯૦ લાખ રૂપિયાના સોનાના દાગીના લઈને નાસી ગયો

ન્યુ મિલ રોડ પર આવેલી મોહનરાજ મોતીલાલ જ્વેલર્સની શૉપ.

કુર્લા-વેસ્ટના ન્યુ મિલ રોડ પર ડેવિડ ચાલ નજીક આવેલા મોહનરાજ મોતીલાલ જ્વેલર્સમાં પાંચ વર્ષથી નોકરી કરતો વિશ્વાસુ મૅનેજર સોહનસિંહ સદાના ૯૦ લાખ રૂપિયાના ૧૧૦૦ ગ્રામ સોનાના દાગીના લઈને નાસી ગયો હોવાની ફરિયાદ ગઈ કાલે કુર્લા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. સોમવારે બપોરે મોહનરાજ મોતીલાલ જ્વેલર્સના માલિક દિલીપ જૈન હૉસ્પિટલમાં ઍડ્મિટ પુત્રને મળવા ગયા એટલી વારમાં સોહનસિંહ દુકાનમાં રહેલા તમામ દાગીના પર હાથ સાફ કરીને નાસી ગયો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતીના આધારે સ્થાનિક પોલીસ તેમ જ ક્રાઇમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે.

કુર્લા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રદીપ ટોડરમલે ઘટનાક્રમની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિલીપ જૈનનો પુત્ર બીમાર હોવાથી તેને સોમવારે બપોરે કુર્લાની એક હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યો હતો. પુત્ર ઍડ્‍મિટ હોવાની માહિતી મળતાં દિલીપ જૈન સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ પોતાની દુકાન વિશ્વાસુ મૅનેજર સોહનસિંહના ‍ભરોસે છોડીને પુત્રને મળવા હૉસ્પિટલમાં ગયા હતા. દોઢેક કલાક પછી દિલીપ પાછા દુકાને આવ્યા ત્યારે દુકાનને બંધ હાલતમાં જોઈ હતી. તેમણે પોતાની પાસે રહેલી ચાવીથી દુકાન ખોલી અંદર તપાસ કરતાં ડિસ્પ્લેમાં લગાડેલી તમામ રૅક ખાલી જોવા મળી હતી. દુકાનની તિજોરી તપાસતાં એમાં રહેલા તમામ સોનાના દાગીના ચોરી થયા હોવાની ખાતરી થઈ હતી. ત્યાર બાદ તેમણે કલાકો સુધી મૅનેજર સોહન સિંહની આસપાસના વિસ્તારમાં શોધ કરીને તેના મૂળ ગામ રાજસ્થાનમાં પણ પૂછપરછ કરી હતી. જોકે સોહનસિંહની કોઈ ભાળ ન મળતાં ઘટનાની જાણકારી અમને આપવામાં આવી હતી. આ કેસમાં અમે ડૉગ-સ્ક્વૉડ ઉપરાંત ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી છે. એ સાથે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે અમે આરોપીની શોધ ચલાવી રહ્યા છીએ.’

મોહનરાજ મોતીલાલ જ્વેલર્સના માલિક દિલીપ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં પાંચ વર્ષથી સોહનસિંહ મારી સાથે મારી દુકાને કામ કરતો હતો એટલે મને તેના પર વિશ્વાસ હતો. એ જ વિશ્વાસ પર સોમવારે બપોરે મારી દુકાન તેના ભરોસે છોડીને હું હૉસ્પિટલમાં ગયો હતો ત્યારે મોકાનો ફાયદો ઉપાડીને સોહનસિંહ મારી આખી દુકાન ખાલી કરીને નાસી ગયો હતો.’

mumbai kurla crime news mumbai crime news mumbai police news mumbai news