કુર્લાના જૈન દેરાસરને ૪૮ કલાકમાં તોડી પાડવાની સુધરાઈની નોટિસ

30 December, 2011 05:09 AM IST  | 

કુર્લાના જૈન દેરાસરને ૪૮ કલાકમાં તોડી પાડવાની સુધરાઈની નોટિસ

 

સપના દેસાઈ

મુંબઈ, તા. ૩૦

જોકે આ અગાઉ જ શ્રાવકોએ જીવ ગયો તો પણ દેરાસર તૂટવા નહીં દઈએ એવી હાકલ કરી છે.

દેરાસર તૂટવા નહીં દઈએ

કુર્લા (વેસ્ટ)માં ૨૦૦૨માં શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ દ્વારા બાંધવામાં આવેલા આ દેરાસરને સુધરાઈએ આપેલી નોટિસ બાબતે શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના ભૂતપૂર્વ ટ્રસ્ટી અને અત્યારે દેરાસરનું લીગલ કામકાજ સંભાળતા અરવિંદ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ દેરાસરની દીવાલ પર સુધરાઈના માણસો ૪૮ કલાકની અંદર દેરાસરને તોડી પાડવામાં આવશે એવી નોટિસ ચોંટાડી ગયા હતા, જેની સામે જૈન શ્રાવકોમાં રોષ ફેલાઈ ગયો છે. અત્યારે આખી મૅટર પર સુપ્રીમ ર્કોટે સુધરાઈના કમિશનરને નિર્ણય લેવાનો ઑર્ડર આપ્યો હતો અને આખો મુદ્દો સુધરાઈના કમિશનર પાસે પેન્ડિંગ છે. એ સિવાય અમારી મંત્રાલયમાં પણ આ બાબતે અરજી પડી છે અને એના પર કોઈ નિકાલ નથી આવ્યો ત્યારે સુધરાઈ કઈ રીતે દેરાસરને તોડી પાડવાની નોટિસ આપી શકે એ જ નથી સમજાતું. આમાં નક્કી રાજકારણ રમાઈ રહ્યું છે. અમે પણ છેલ્લે સુધી લડી લેવાનો નર્ધિાર કર્યો છે. અમારો જીવ ગયો તો પણ અમે આ દેરાસરને તૂટવા નહીં દઈએ, ભલે એ માટે ગમે એટલાં આંદોલનો કરવાં પડે.’

ઇલેક્શન સમયનું પૉલિટિક્સ

ઇલેક્શન સમયે જ અમારી ભાવના સાથે રમત રમાઈ રહી છે એવું બોલતાં અરવિંદ કોઠારીએ કહ્યું હતું કે ‘આ પહેલાં પણ મુંબઈ મહાનગરપાલિકાની ૨૦૦૭માં ચૂંટણી હતી એ અગાઉ આવી રીતે જ દેરાસર તોડી પાડવાની રમત રમાઈ હતી અને હવે પાછું ઇલેક્શન આવ્યું છે ત્યારે આ લોકો ફરી એ જ રમત રમી રહ્યા છે. ખબર નથી પડતી કે કોણ આ બધી રમત રમાડી રહ્યું છે? જોકે એટલું ચોક્કસ છે કે અમે આ દેરાસરની ઈંટને પણ હાથ લગાવવા નહીં દઈએ. શુક્રવારે જૈન સમાજના અગ્રણીઓ સાથે સંઘની એક મીટિંગ થવાની છે. એમાં અમે ચર્ચા કરીશું, એક્સપર્ટ્સના ઓપિનિયન લઈશું અને ત્યાર બાદ આગળ શું કરવું એના પર નિર્ણય લઈશું.’

શું વિવાદ છે?

કુર્લા (વેસ્ટ)ના શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના આખા વિવાદ બાબતે અરવિંદ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ જમીન ૧૯૯૯માં ખરીદી હતી અને ૨૦૦૧માં સંઘે અહીં દેરાસર બાંધ્યું હતું, પણ ત્યાર બાદ ૨૦૦૫માં બિલ્ડરે અમારું દેરાસર ગેરકાયદે રીતે બંધાયું છે અને કથિત રીતે એની પ્રૉપર્ટીની આડે આવી રહ્યું છે કહીને રસ્તો  બંધ કરી દીધો હતો અને બૉમ્બે હાઈ ર્કોટમાં ફરિયાદ કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા દેરાસર તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેની સામે અમે સુપ્રીમ ર્કોટમાં ગયા હતા, જ્યાં તેમણે  હાઈ ર્કોટના આદેશને રદબાદલ કર્યો અને સુધરાઈના કમિશનરે આ વિશે નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. હવે જ્યાં સુધી સુધરાઈ-કમિશનરને પોલીસ-કમિશનર પાસેથી દેરાસરના પ્લાનને રેગ્યુલરાઇઝ્ડ કરવા એનઓસી (નૉન ઑબ્જેક્શન સર્ટિફિકેટ) ન મળે ત્યાં સુધી કાંઈ ન થાય. એ સિવાય પોલીસ-કમિશનરે પણ એનઓસી આપવા માટે પહેલાં બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટમાંથી એને લગતો પ્લાન મેળવવો જોઈએ, પરંતુ બિલ્ડિંગ પ્રપોઝલ પોલીસ ખાતામાં પ્લાન મોકલતી જ નહોતી એટલે બધું કામ અટકી ગયું હતુ. બિલ્ડિંગ પ્રપોઝલ  અમારી ફાઇલ ક્લિયર નથી કરી રહી. અમને અત્યાર સુધી ૫૦ ધક્કા ખવડાવી ચૂકી છે. એ સિવાય અમારી એક અપીલ મંત્રાલયમાં પડી છે ત્યાંથી ક્લિયરન્સ ન આવે ત્યાં સુધી બીએમસી દેરાસરને તોડવાની નોટિસ આપી જ ન શકે.’

કાયદેસર કરવામાં અડચણ શું છે?

કુર્લાના શ્રી મુનિસુવ્રત સ્વામી દેરાસરને કાયદેસરનું કરવામાં બે પ્રૉબ્લેમ છે એમ જણાવીને અરવિંદ કોઠારીએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી પોલીસ-કમિશનર એનઓસી નહીં આપે અને જ્યાં સુધી કમ્પલ્સરી ઓપન સ્પેસનો પ્રૉબ્લેમ સૉલ્વ નહીં થાય. અમને કમ્પલ્સરી ઓપન સ્પેસનો પ્રૉબ્લેમ સતાવી રહ્યો છે. એમાં દેરાસરની આજુબાજુ ૬ મીટરની જગ્યા કાયદા મુજબ છોડવી પડે, પણ અમારી જગ્યા નાની છે અને જ્યાં પ્લૉટ નાનો હોય ત્યાં કમિશનરને સત્તા છે કે એ કમ્પલ્સરી ઓપન સ્પેસ રાહત આપી શકે.’