22 November, 2026 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રમોદ મહાજન ગાર્ડનમાં બનેલી ઘટના જેમાં યુવક અને યુવતીની મારઝૂડ કરતા ટીનેજરો.
કુર્લામાં આવેલા ફીનિક્સ માર્કેટ સિટી નજીક BMC સંચાલિત પ્રમોદ મહાજન ગાર્ડનમાં શુક્રવારે બપોરે ધોળા દિવસે ગુંડાગીરીની ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ફોટો પાડી રહેલા સાતારાના ફલટણ વિસ્તારના ૨૧ વર્ષના સૌરભ કુશવાહા અને નવી મુંબઈના રબાળે વિસ્તારની ૧૯ વર્ષની યુવતીને સગીર વયના ૮ છોકરાઓની ટોળકીએ ઘેરી લઈને લાકડી, પથ્થર અને કમરના બેલ્ટ વડે ઢોર માર માર્યો હતો. આરોપીઓએ યુવતીને અયોગ્ય સ્પર્શ કરીને તેની છેડતી કરી હતી અને એનો વિરોધ કરતાં થયેલી બોલાચાલીના વિવાદમાં આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ઘાટકોપર પોલીસે શુક્રવારે મોડી રાત્રે ફરિયાદ નોંધીને આઠેય કિશોરોની અટકાયત કરી હતી અને પછી છોડી મૂક્યા હતા. જોકે આ મામલે ઉગ્ર વિરોધ થતાં ગઈ કાલે સાંજે પોલીસે ફરીથી ૬ કિશોરની અટકાયત કરીને તેમને જુવેનાઇલ કોર્ટમાં હાજર કર્યા હતા અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં
લઈને તેમને સુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા. બાકીના બે જણ ફરાર છે.
મૂળ સાતારાના રહેવાસી સૌરભ કુશવાહાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારી ૧૯ વર્ષની મિત્રને મળવા માટે શુક્રવારે સવારે મુંબઈ આવ્યો હતો. રબાળેની હોટેલમાં રોકાયા બાદ હું અને મારી મિત્ર કુર્લાના ફીનિક્સ મૉલમાં ગયાં હતાં જ્યાં શૉપિંગ અને લંચ કર્યા બાદ અમે મૉલની બાજુમાં આવેલા ગાર્ડનમાં ફોટો પાડવા ગયાં હતાં. ત્યાં અમે ફોટો પાડી રહ્યાં હતાં ત્યારે ગાર્ડનમાં અડ્ડો જમાવીને બેઠેલા સાતથી ૮ સગીર છોકરાઓએ મારી મિત્રને અયોગ્ય સ્પર્શ કરીને છેડતી શરૂ કરી હતી. ત્યારે અમે આ બાબતનો વિરોધ કરતાં ઉશ્કેરાયેલી ટોળકીએ હાથમાં રહેલી લાકડીઓ, પથ્થર અને બેલ્ટ વડે અમારા પર તૂટી પડીને લાતો-મુક્કાનો વરસાદ વરસાવ્યો હતો. મને બચાવવા વચ્ચે પડેલી મારી મિત્રના માથામાં પણ લાકડીનો જોરદાર ફટકો મારી તેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. જેમ-તેમ કરી ત્યાંથી નીકળી અમે ગાર્ડનના ગેટ નજીક પહોંચ્યાં જ્યાં અમને વૉચમૅને પોતાની કૅબિનમાં બેસાડી દીધાં હતાં. જોકે અંદરથી અમે પોલીસને ફોન કર્યો એટલે થોડી વારમાં ત્યાં આવેલી પોલીસે અમને બચાવી લીધાં હતાં. આ તમામ લોકો અમને જાનથી મારી નાખવાના ઇરાદે અમારી પાછળ દોડ્યા હતા. ત્યાંથી જેમ-તેમ બહાર નીકળીને અમે તાત્કાલિક નજીકની રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર લીધી હતી અને ત્યાર બાદ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.’
આ સમગ્ર ઘટનાનો વિડિયો નજીકની સોસાયટીમાં રહેતી એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો હતો, જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ ભારે રોષની લાગણી ફાટી નીકળી હતી. સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો છે કે પ્રમોદ મહાજન ગાર્ડનનું નિર્માણ થયું ત્યારથી અહીં નશાખોરો, ગર્દુલ્લા અને અસામાજિક તત્ત્વોનો કાયમી અડ્ડો જામેલો રહે છે જેના કારણે આસપાસના પરિવારો કે મહિલાઓ અહીં ફરવા આવતાં પણ ગભરાય છે.
એક સશક્ત લોકતંત્રમાં દરેક નાગરિકને બોલવાનો, હરવાફરવાનો અધિકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણે આપેલો છે. કોઈ પણ બાળકો કે કોઈ પણ ભારતીય નાગરિક ફરી રહ્યા હોય તો તેમની સામે આવું કોઈ વર્તન કરે તો મહારાષ્ટ્રના માનનીય મુખ્ય પ્રધાન જે આ રાજ્યના ગૃહપ્રધાન પણ છે તેમને હું બહુ જ વિનમ્રતાથી કહીશ કે આવી ઘટનાઓ સામે સરકારનું ઝીરો ટૉલરન્સ હોવું જોઈએ. કોઈ પણ નાગરિક ફરતો હોય અને કોઈ પણ આવી ગુંડાગીરી કરશે તો એ નહીં ચલાવી લેવાય. મહારાષ્ટ્રમાં તો બિલકુલ નહીં ચાલે.
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ઘટના વિશે પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ યુગલ હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને આરોપીઓને ‘મુસ્લિમ કટ્ટરપંથીઓ’ ગણાવ્યા હતા. મૂળ મરાઠી ભાષામાં લખેલી પોસ્ટમાં કિરીટ સોમૈયાએ કહ્યું, ‘ઘાટકોપરમાં ફીનિક્સ મૉલ નજીક મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ યુવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો.’