ઇલેક્ટ્રિક બસનું પાવર-સ્ટીઅરિંગ ફાવતું ન હોવાથી બની દુર્ઘટના?

11 December, 2024 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીની તપાસ પરથી આ કારણ હોવાનું સામે આવી રહ્યું છે : ડ્રાઇવરે પણ પોતે પાવર સ્ટીઅરિંગથી કમ્ફર્ટેબલ ન હોવાનું પોલીસને કહ્યું

૭ જણનો ભોગ લેનાર બસ-અકસ્માતના આરોપી ડ્રાઇવર સંજય મોરેને કોર્ટમાં લઈ જવાયો હતો. કોર્ટે તેને ૨૧ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.

કુર્લા બસ-ઍક્સિડન્ટમાં શા કારણે અકસ્માત થયો એ વિશે અનેક કારણો ચર્ચાઈ રહ્યાં છે, જેમાં એક કારણ એવું બહાર આવી રહ્યું છે કે ડ્રાઇવર સંજય મોરેને પાવર-સ્ટીઅરિંગવાળી ઇલે​ક્ટ્રિક બસ ચલાવવાનો અનુભવ ન હોવાથી આ દુર્ઘટના થઈ છે.

પહેલાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે સંજય મોરે દારૂ પીને બસ ચલાવી રહ્યો હતો અથવા તો બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી, પરંતુ પોલીસે આ બન્ને થિયરી નકારી કાઢી છે. બ્લડટેસ્ટના રિપોર્ટમાં ડ્રાઇવરે દારૂ ન પીધો હોવાનું સ્પષ્ટ થયું છે. બસની ચકાસણી કરનાર એક્સપર્ટે પ્રાથમિક રિપોર્ટમાં કહ્યું છે કે બસમાં કોઈ ટે​ક્નિકલ ખામી નહોતી અને એની બ્રેક પણ ફેલ નહોતી થઈ.      

કોવિડના લૉકડાઉન પછી સંજય મોરે બેસ્ટમાં કૉન્ટ્રૅક્ટ પર ડ્રાઇવર તરીકે લાગ્યો હતો. ત્યારથી તે નાની-મિની બસ ચલાવી રહ્યો હતો. એ પછી હાલમાં જ તેને મોટી ઇલે​ક્ટ્રિક બસ ચલાવવા અપાઈ હતી. એ બસ ચલાવવા માટે તેને ૧૦ ​દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. જોકે અપૂરતી ટ્રેઇનિંગ અને પૂરતી માહિતીના અભાવને કારણે તેનાથી આ અકસ્માત થયો એમ કહેવાય છે. 
મૂળમાં પાવર-સ્ટીઅરિંગવાળાં વાહનોમાં વળાંક લેવા માટે સ્ટીઅરિંગ-વ્હીલ બહુ ફેરવવું પડતું નથી. સહેજ ફેરવો ત્યાં ટર્ન લેવાઈ જાય છે. જૂની બસ ચલાવી રહેલા સંજય મોરેને પાવર-સ્ટીઅરિંગની બસ ચલાવવાનો ઓછો અનુભવ અકસ્માતનું કારણ બન્યો કે કેમ એ બાબતની તપાસ હવે ચાલી રહી છે.  

એવું કહેવાય છે કે ડ્રાઇવર સંજય મોરેએ પણ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં પાવર-સ્ટીઅરિંગ ફાવતું ન હોવાનું કબૂલ્યું છે. તેણે પોતે કન્ફ્યુઝ થઈ ગયો હોવાનું પણ કહ્યું છે.

kurla brihanmumbai electricity supply and transport road accident mumbai police Crime News mumbai crime news mumbai mumbai news