કુર્લા દુર્ઘટનાના અસરગ્રસ્તોને હજી આશરો નથી મળ્યો

30 June, 2022 10:20 AM IST  |  Mumbai | Sameer Surve

સામાન્ય રીતે આવી ઘટના બાદ લોકોને બીએમસી શેલ્ટર આપે છે, પરંતુ મોટા ભાગના મજૂરોએ હૉસ્પિટલની બહાર રસ્તા પર જ રાત વિતાવી હતી

બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં કુલ ૧૯ લોકો માર્યા ગયા હતા (તસવીર : સૈયદ સમીર અબેદી)

મુંબઈ સુધરાઈએ કુર્લાની નાઈકનગર સોસાયટીનું બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાના અસરગ્રસ્તોને હજી સુધી શેલ્ટરમાં ખસેડ્યા નથી. કેટલાક અસરગ્રસ્તોને તો રાત રસ્તા પર વિતાવવાની ફરજ પડી હતી. મકાન ધરાશાયી થવાની ઘટનામાં કુલ ૧૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૫ ઈજાગ્રસ્ત થયા હતા.

રામરાજ સાહનીને મંગળવારે માથામાં તથા પગમાં થયેલી ઈજાની સારવાર બાદ ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મજૂર તરીકે કામ કરતા રામરાજ સાહનીએ કહ્યું હતું કે ‘બિલ્ડિંગ ધરાશાયી થતાં અમે આઠ મજૂરોએ સર્વસ્વ ગુમાવ્યું હતું. મારી પાસે ખાવા માટે એક પૈસો પણ નથી. હું એક સાથી મજૂર સાથે રહું છું. તે પણ એક કૉન્ટ્રૅક્ટ વર્કર છે. ડિસ્ચાર્જ બાદ કોઈએ મને શેલ્ટર વિશે કહ્યું નથી. મેં અને મારા સાથી મજૂરોએ હૉસ્પિટલની બહાર રસ્તા પર જ રાત વિતાવી હતી.’

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર મહાદેવ શિંદેએ કહ્યું હતું કે ‘અમારી પાસે અસ્થાયી શેલ્ટર હોય છે. જો કોઈ અમને પૂછે તો અમે તેમને આશ્રય આપી શકીએ.’

સિવિલિ ઍક્ટિવિસ્ટ સંજય ગુરવે કહ્યું હતું કે ‘દરેક આપત્તિમાં સુધરાઈ નાગરિકોને અસ્થાયી આશ્રયસ્થાનમાં લઈ જાય છે, પરંતુ આ વખતે શું થયું? કારણ કે તમામ બહારથી આવેલા મજૂરો હતા એટલે સુધરાઈ તેમને શેલ્ટરમાં ન લઈ ગઈ?’ 

પાંચ વ્યક્તિ સામે ફરિયાદ

બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં પોલીસે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. મંગળવારે રાત્રે એક કૉન્ટ્રૅક્ટરની ધરપકડ કરવામાં આવી હતી તો પોતાનો ફ્લૅટ ભાડે આપનારા ચાર ફ્લૅટમાલિકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તપાસ દરમ્યાન ખબર પડી હતી કે દિલીપ વિશ્વાસ નામનો કાર્પેન્ટર ૩૭ જેટલા મજૂરોને અહીં લાવ્યો હતો.

કુર્લાની દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને મોરારીબાપુની મદદ

કુર્લામાં સોમવારે મોડી રાત્રે મકાનનો હિસ્સો ધસી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૧૭ લોકો પ્રત્યે કથાકાર મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરીને તેમના માટે પ્રાર્થના કરી હતી તેમ જ તેમના પરિવારજનો પ્રત્યે દિલાસોજી વ્યક્ત કરી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વનારૂપે પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ-પાંચ હજાર રૂપિયા પ્રમાણે સહાય મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કુલ ૮૫ હજારની આ રાશિ મુંબઈસ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે.

mumbai mumbai news kurla brihanmumbai municipal corporation