કોંબડી પળાલી ફેમ ઍક્ટ્રેસના ઘરમાં નોકરાણીએ જ કરી ચોરી

20 November, 2012 05:39 AM IST  | 

કોંબડી પળાલી ફેમ ઍક્ટ્રેસના ઘરમાં નોકરાણીએ જ કરી ચોરી



મળતી માહિતી પ્રમાણે ૨૦ વર્ષની વંદના રોગે છેલ્લાં ચાર વર્ષથી ગોરેગામમાં આવેલા ગૅલેક્સી હાઇટના પંદરમા માળે આવેલા ઍક્ટ્રેસના ઘરમાં ફુલટાઇમ કામ કરે છે. પાંચમી ઑક્ટોબરે તે ફિલ્મ જોવા ગઈ હતી અને પછી તેના બૉયફ્રેન્ડને ઘરે લઈ આવી હતી. એ જોઈને ક્રાન્તિનાં માતા-પિતાએ તેના પર ગુસ્સો કરીને ભવિષ્યમાં બૉયફ્રેન્ડને ક્યારેય ઘરે ન લાવવાની ચેતવણી આપી હતી.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ ઘટનાને લીધે બૉયફ્રેન્ડે અપમાન થયાની લાગણી અનુભવી હતી અને તેણે વંદનાને નોકરી છોડી દેવા કહ્યું હતું. જોકે એને કારણે તેણે નોકરી તો છોડી દીધી હતી, પણ બે દિવસમાં પાછી આવી ગઈ હતી. ત્યાર બાદ ૨૮ ઑક્ટોબરે બીમાર માતાને તેની જરૂર છે એવું કારણ આપીને ફરી જતી રહી હતી અને પાંચમી નવેમ્બરે પાછી આવીને છઠ્ઠી નવેમ્બરે ઘર છોડીને જતી રહી હતી. એ દિવસે જ ક્રાન્તિને ખબર પડી હતી કે ઘરમાંથી જ્વેલરી અને કૅશની ચોરી થઈ છે.

આ ચોરી વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ક્રાન્તિએ કહ્યું હતું કે ‘તે વારંવાર નાની-નાની રજાઓ લઈને જતી હતી અને ત્યારે ઘરની નાની-મોટી વસ્તુઓ ચોરી જતી હતી. જોકે તેણે એ વાતનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે તે આ ચોરી તેની બીમાર માતા અને પતિ માટે કરતી હતી. જોકે અમને ક્યારેય એવો અહેસાસ નહોતો કે તે આટલી મોટી ચોરી પણ કરી શકે છે. તે છઠ્ઠી નવેમ્બર પછી લાંબા સમય સુધી ન આવી ત્યારે અમને તેના પર શક ગયો હતો.’

આ ઘટનાક્રમ વિશે વાત કરતાં ગોરેગામ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર અરુણ જાધવે કહ્યું હતું કે ‘જે દિવસે ઘરમાં ચોરી થઈ ત્યારથી જ તે ગાયબ હોવાથી સૌથી પહેલાં શંકાની સોય તેની તરફ જ તકાઈ હતી. આખરે તેની માતાની જ્યાં સારવાર ચાલી રહી હતી એ હૉસ્પિટલમાંથી અમને તેનું સરનામું મળ્યું હતું અને અમે શનિવારે તેને ઝડપી લીધી હતી. પોલીસે તેની પાસેથી ચાલીસ હજાર રૂપિયા મેળવ્યા છે, જ્યારે ૯૦,૦૦૦ રૂપિયા તેણે વાપરી નાખ્યા છે. જોકે જ્વેલરી બધી મળી ગઈ છે. તેણે આ બધી જ્વેલરી ટુવાલમાં બાંધી લીધી હતી અને સીસીટીવીમાં પકડાઈ જવાના ડરથી એ ટુવાલ પંદરમા માળે આવેલા ક્રાન્તિના ટૉઇલેટની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. જોકે પછી તે જ્યારે નીચે ઊતરી ત્યારે તેને ખબર પડી કે જ્વેલરી બાંધેલો આ ટુવાલ જે જગ્યાએ પડ્યો છે એની ચાવી તો વૉચમૅન પાસે રહે છે. આને કારણે તે જ્વેલરી લીધા વગર જ ચાલી ગઈ હતી. આખરે પૂછપરછ પછી પોલીસને એ જગ્યાએથી જ્વેલરી મળી આવી હતી. તપાસ પછી પોલીસને ખબર પડી છે કે આ ચોરીમાં તેના બૉયફ્રેન્ડનો કોઈ હાથ નથી.’