કૅપ્ટન દીપક સાઠેનો મૃતદેહ મુંબઈ લવાયો આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

10 August, 2020 09:02 AM IST  |  Mumbai | Agencies

કૅપ્ટન દીપક સાઠેનો મૃતદેહ મુંબઈ લવાયો આવતી કાલે થશે અંતિમ સંસ્કાર

કૅપ્ટન દીપક સાઠેના પાર્થિવ દેહને ગઈ કાલે શ્રદ્ધાંજલિ આપતાં તેમનાં પત્ની સુષમા અને પુત્ર ધનંજય સાઠે. તસવીર : પી.ટી.આઇ.

કેરલાના કોઝીકોડમાં તૂટી પડેલા ઍર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના પાઇલટ-ઇન-કમાન્ડ કૅપ્ટન દીપક સાઠેના નશ્વર દેહને ગઈ કાલે બપોરે ફ્લાઇટમાં મુંબઈ લાવવામાં આવ્યો હતો. મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના 2T ટર્મિનલ પાસેના ઍર ઇન્ડિયા ફૅસિલિટી બિલ્ડિંગમાં તેમના દેહને થોડી વાર દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. એ વખતે તેમનાં પત્ની સુષ્મા અને દીકરો હાજર રહ્યાં હતાં.

ઍર ઇન્ડિયાના પાઇલટ, ક્રૂ-મેમ્બર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંગળવારે ચાંદિવલીમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એમનો મોટો પુત્ર હજૂ આજે અમેરિકાથી આવવાનો છે.

દુબઈથી કોઝીકોડ આવતા ઍર ઇન્ડિયા એક્સપ્રેસના પ્લેનને ટેબલ ટૉપ ઍરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે અકસ્માત નડ્યો હતો. પ્લેન રનવેથી આગળ નીકળી ગયું હતું અને ૩૫ ફુટ ઊંડી ખાઈમાં ખાબક્યું હતું અને ત્યાર બાદ એના બે ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં બન્ને પાઇલટ સહિત ૧૮ વ્યક્તિનાં મોત થયાં હતાં.

કૅપ્ટન સાઠે તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી સાથે સ્પોર્ટ્સમાં રસ ધરાવતા હતા : સાથીઓ કહે છે

કેરલામાં તૂટી પડેલા ઍર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના પાઇલટ કૅપ્ટન દીપક સાઠે તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા અને સાથે જ સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવતા હતા એમ તેમના સહાધ્યાયીઓએ સ્મૃતિ વાગોળતાં જણાવ્યું હતું.

કૅપ્ટન કારકિર્દી પ્રત્યે ઘણા ગંભીર હતા અને પુણે નજીક ખડકવાસલા સ્થિત પ્રતિષ્ઠિત નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી (એનડીએ)માં જોડાવા માટે મક્કમ હતા, એમ સેન્ટ વિન્સેન્ટ સ્કૂલના ધોરણ-૧૧ના તેમના સહાધ્યાયીઓએ જણાવ્યું હતું.

૧૯૭૭માં તેઓ સેન્ટ વિન્સેન્ટ સ્કૂલમાં ૧૧મા ધોરણમાં જોડાયા હતા, એમ સાઠેના સહાધ્યાયી રહી ચૂકેલા બ્રિગેડિયર કેવિન મેન્ડોન્કા (નિવૃત્ત)એ જણાવ્યું હતું. તેમના પિતા લશ્કરમાં હોવાથી સાઠેએ એનડીએમાં જોડાવા માટે મન બનાવી લીધું હતું. એ દિવસોમાં એનડીએમાં જોડાવા માટે ૧૧મું ધોરણ પાસ કરવાનું રહેતું અને તેમણે પરીક્ષા પાસ કરી દીધી, એમ તેમણે જણાવ્યું હતું.

સાઠે ૧૧મા ધોરણ પછી, જ્યારે મેન્ડોન્કા ૧૨મા ધોરણ પછી એનડીએમાં જોડાયા હતા. એનડીએમાંથી પાસ થયા પછી સાઠે ઇન્ડિયન ઍરફોર્સમાં જોડાયા, જ્યારે તેઓ લશ્કરમાં જોડાયા હતા.

kerala national news air india