પર્યાવરણના જતન માટે ૫૮૮ ગામ મનાવવાનાં છે ફટાકડામુક્ત દિવાળી

25 October, 2021 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલ્હાપુરનાં આ ગામોના લોકોએ દિવાળીમાં આ વખતે વાયુ-ધ્વનિપ્રદૂષણથી થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ફટાકડા નહીં ફોડવાનો અનુકરણીય નિર્ણય લીધો છે

પ્રતીકાત્મક તસવીર

દિવાળી આવે એટલે ફટાકડા ફોડવાની રીતસર હોડ લાગતી હોય છે. નાનાં બાળકોથી માંડીને મોટેરાંઓ પણ જાતજાતના ફટાકડા ફોડીને આ પ્રકાશપર્વની ઉજવણી કરતાં હોય છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાથી લોકોમાં આ બાબતે જાગૃતિ આવી છે. કોલ્હાપુરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ)ની પહેલથી આ જિલ્લાનાં ૫૮૦ ગામોએ પર્યાવરણને બચાવવાની સાથે ધ્વનિપ્રદૂષણથી છુટકારો મેળવવા માટે આ દિવાળીમાં એકેય ફટાકડો ન ફોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

અમુક ડેસિબલથી વધારે અવાજના ફટાકડા ફોડવાની મનાઈ હોવા છતાં કેટલાક લોકો મોટા અવાજના ફટાકડા ફોડીને વાયુની સાથે ધ્વનિપ્રદૂષણ ફેલાવતા હોય છે. પોલીસ અને પ્રશાસકીય યંત્રણા આવા લોકો સામે કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી મોટા ભાગે યુવાનો જોરશોરથી આવા ફટાકડા ફોડે છે. આ બાબત ધ્યાનમાં આવતાં કોલ્હાપુર જિલ્લાના સીઈઓ સંજયસિંહ ચવાણે કોલ્હાપુર જિલ્લામાં આ વખતે ફટાકડામુક્ત દિવાળી ઊજવવાની અપીલ ગામજનોને કરી હતી.

સીઈઓએ ફટાકડામુક્ત દિવાળી ઊજવવાનો ઠરાવ કરવાની સૂચના જિલ્લા પરિષદના માધ્યમથી દરેક ગ્રામપંચાયતમાં આપી હતી. આ માટે તેમણે સરપંચ અને ગ્રામસેવકોને ફટાકડાથી થતું નુકસાન સમજાવીને ગામમાં ફટાકડા ન ફોડવાનો પ્રસ્તાવ ગ્રામજનો સમક્ષ રજૂ કરવાની અપીલ કરી હતી. સામાન્ય રીતે ગ્રામજનો ઉપરી અધિકારીનાં સૂચનોને કોરાણે મૂકી દેતા હોય છે. જોકે આશ્ચર્ય વચ્ચે એક-બે નહીં પૂરાં ૫૮૦ ગામના હજારો રહેવાસીઓએ ફટાકડામુક્ત દિવાળી ઊજવવાનો નિર્ણય લીધો છે.

આ વિશે સીઈઓ સંજયસિંહ ચવાણે જણાવ્યું હતું કે ‘લોકો ઓછા ફટાકડા ફોડીને પર્યાવરણનું ધ્યાન રાખે એ આશયથી આ વખતે દિવાળી ફટાકડામુક્ત ઊજવવાની અપીલ કરી હતી. કેટલાંક ગામ આમાં સામેલ થવાની મને આશા હતી. જોકે જિલ્લાનાં ૧૦૨૫ ગામમાંથી ૫૮૦ ગામના લોકોએ આ નિર્ણયને વધાવી લીધો છે. બાકીનાં ૪૪૫ ગામના લોકો પણ અમારી આ પહેલમાં જોડાય એ માટેના અમારા પ્રયાસ ચાલી રહ્યા છે. મારું માનવું છે કે લોકોને યોગ્ય રીતે સમજાવવામાં આવે તો તેઓ કોઈ પણ નવી પહેલને આવકારે છે. મને ખુશી છે કે પર્યાવરણનો મુદ્દો આટલાં બધાં ગામના લોકોએ સ્વીકારીને ફટાકડા ન ફોડવાનો નિર્ણય લીધો છે.’

mumbai mumbai news diwali