નવા બની રહેલા કાલબાદેવી રોડની ક્વૉલિટી સાથે બાંધછોડ નહીં થાય

22 November, 2011 10:25 AM IST  | 

નવા બની રહેલા કાલબાદેવી રોડની ક્વૉલિટી સાથે બાંધછોડ નહીં થાય

 

(કાજલ ગોહિલ-વિલ્બેન)

મુંબઈ, તા. ૨૨


ક્વૉલિટીની ગૅરન્ટી

સાડાચાર કરોડ રૂપિયાના ખર્ચે નવા બની રહેલા દક્ષિણ મુંબઈના કાલબાદેવી રોડની આસપાસ મુંબઈની મહત્વની એવી મૂળજી જેઠા માર્કેટ, ઝવેરી બજાર, મંગળદાસ માર્કેટ, દવા બજાર તેમ જ રેડીમેડ અને હોલસેલ કાપડની મોટી બજારોનો સમાવેશ થાય છે જેને લીધે આ રોડને જલ્દીથી બંધ કરીને એના પર વારંવાર કામ કાઢવું શક્ય નથી એવામાં રોડની ક્વૉલિટી પર સુધરાઈ કઈ રીતે ધ્યાન આપશે એ વિશે ‘મિડ-ડે’ને ‘સી’ અને ‘ડી’ વૉર્ડના અસિસ્ટન્ટ એન્જિનિયર ઇન્ચાર્જ અજય ચવાણે કહ્યું હતું કે ‘સામાન્ય રીતે બે કારણોસર નવા બનાવેલા રસ્તાની ક્વૉલિટી ખરાબ થતી હોય છે. મિલાવટ કે કામચલાઉ કામને લીધે અથવા તો નવા બનાવેલા રોડ પર ફોન, પાણી, ગટર કે બેસ્ટની સર્વિસમાં ઊભી થયેલી ખામી દૂર કરવા અન્ડરગ્રાઉન્ડ લાઇનોનું કામ કરવા માટે આ રસ્તાઓ ખોદવામાં આવે ત્યારે. આવું કાલબાદેવી રોડના કિસ્સામાં ન થાય એનું ધ્યાન રાખીને મેં કામ શરૂ કરતાં પહેલાં જ સુધરાઈના અધિકારીઓને સૂચના આપી દીધી હતી કે તમારે પાણી કે ફોનની લાઇન અથવા અન્ય કોઈ કામ આ રસ્તા પર કરવાનું હોય તો હમણાં જ પૂરું કરી દો, કારણ કે એક વાર રસ્તો બની ગયા પછી હું કોઈને એના પર ખોદકામ કરવા નહીં દઉં. એ મુજબ હાલ સુધરાઈનાં અન્ય વિભાગો પોતાનું કામ કાલબાદેવી રોડ પર પૂર્ણ કરી રહ્યાં છે. બીજી તરફ કૉન્ટ્રૅક્ટરને સરકાર તરફથી રોડ બનાવવા માટે જરૂરી ક્વૉલિટી સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે એનું કૉન્ટ્રેક્ટર પાલન કરી રહ્યો છે કે નહીં એનું ધ્યાન રાખવા સુધરાઈનો એન્જિનિયર તેમની સાથે રાખવામાં આવશે.’    

આઠ મહિનાનું કામ

વેપારીઓની કર્મભૂમિ સમાન આ રોડનું કામ ચાર મહિનામાં પૂરું થઈ જશે એવા અહેવાલો ઘણાં વર્તમાનપત્રોમાં આવ્યા હતા એને નકારતાં અજય ચવાણે કહ્યું હતું કે ‘અમારા કોઈ અધિકારીએ ક્યારેય એવું ક્હ્યું જ નથી, કારણ કે કાયદાકીય રીતે આ રોડનું કામ આઠ મહિનામાં જ પૂરું થાય એમ છે અને કૉન્ટ્રૅક્ટનો સમય પણ એટલો જ છે. કૉન્ટ્રેક્ટર વધુ લોકો કામ પર લગાડી દિવસ-રાત એક કરીને કામ જલ્દીથી જલ્દી પૂરું કરવાના પ્રયત્નો કરે તો પણ પાંચ મહિનાનો સમય તો કાલબાદેવી રોડને તૈયાર થતાં લાગશે જ.’  

આ નવા બની રહેલા રોડની ગટરો મોટી કરવા સાથે ફૂટપાથ નવેસરથી બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

નગરસેવક જનક સંઘવીની સફળતા

સી વૉર્ડ અને કાલબાદેવી રોડના નગરસેવક જનક સંઘવીના ચાર વર્ષના પ્રયાસોના ફળરૂપે કાલબાદેવી રોડનું નવીનીકરણ સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. પોતાની આ સફળતા વિશે જનક સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૨ જેટલી હોલસેલ માર્કેટો ધરાવતા આ રોડ પર દરરોજ દસ લાખ લોકોની અવરજવર દિવસના અંત સુધી થતી હશે. એમાં પણ હાથગાડી, ટ્રકો અને કાર જેવાં વાહનો પણ એટલી જ સંખ્યામાં કાલબાદેવી રોડ પરથી પસાર થતાં હોય છે એટલે મને જરૂરી લાગ્યું કે દેશની આર્થિક રાજધાનીના હાર્દ સમાન આ રોડને નવું જીવન મળે. એ માટે હું સતત મારી ઇચ્છા વ્યક્ત કરતો રહ્યો અને અંતે મારા કામમાં સફળતા મળી એનો મને ખૂબ જ આનંદ છે.’   

કાલબાદેવી રોડનું કામ શરૂ થયાનાં બે વર્ષ પહેલાં જ જનક સંઘવીએ આ રોડ પર આવેલી બજારોના નાના-મોટા રોડનું કામ સુધરાઈ પાસેથી લગભગ પૂરું કરાવી લીધું છે.