કિસ ઑફ લવ એક મહિનામાં ક્યાંથી ક્યાં પહોંચી ગઈ?

09 November, 2014 05:07 AM IST  | 

કિસ ઑફ લવ એક મહિનામાં ક્યાંથી ક્યાં પહોંચી ગઈ?






એથી રોષે ભરાયેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના સભ્યોએ એ કૅફેને ખેદાનમેદાન કરી નાખ્યું હતું. એના પગલે બીજી નવેમ્બરે કોચીમાં કિસ ઑફ લવના નામે વિરોધ-પ્રદર્શન યોજાયું હતું. હિન્દુ તથા મુસ્લિમ જૂથોએ એમાં વિક્ષેપનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે કેટલાક લોકોને અટકાયતમાં લીધા હતા.

હૈદરાબાદ અને મુંબઈ પણ જોડાયાં

કોચીની સાથે કિસ ઑફ લવમાં હૈદરાબાદ અને મુંબઈના ઉદારમતવાદીઓ પણ એ જ દિવસે વિરોધ-પ્રદર્શનમાં જોડાયા હતા. મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી ખાતે ૧૦૦થી વધુ સ્ટુડન્ટ્સ તથા ફૅકલ્ટી મેમ્બર્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, પણ આ કાર્યક્રમમાં મીડિયાને આવવાની છૂટ ન હતી. હૈદરાબાદ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમના આયોજકો સામે પોલીસે કેસ નોંધ્યા હતા. કલકત્તામાં પાંચમી નવેમ્બરે જાદવપુર યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ સહિતના આશરે ૩૦૦ લોકોએ સ્થાનિક પોલીસ-સ્ટેશનના દરવાજા સામે જ એકમેકને કિસ અને હગ આપ્યાં હતાં.

તૃણમૂલનો પ્રતિભાવ

BJPની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દિલ્હી યુનિવર્સિટીમાં લિવ-ઇન રિલેશનશિપના વિરોધમાં યોજવામાં આવેલા કાર્યક્રમનો અને ૨૮ ઑક્ટોબરે ગોઠણ સુધીનું સ્કર્ટ પહેરીને આવેલી એક છોકરીને પ્રવેશ નહીં આપવાના કલકત્તાના સ્ટાર થિયેટરના ફેંસલાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કલકત્તામાં કિસ ઑફ લવનો રાજ્યની તૃણમૂલ કૉન્ગ્રેસ સરકારે નકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

સોશ્યલ મીડિયાનો મત

સોશ્યલ મીડિયા પર સક્રિય લોકોએ એ વાતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે નૈતિકતાના જાતે બની બેઠેલા પહેરેદારો સામેના ભદ્ર વર્ગના આ વિરોધને પગલે અર્ધશહેરી અને ગ્રામીણ ભારતમાંની પરિસ્થિતિ બદલાશે કે કેમ?

કાયદો શું કહે છે?

ઇન્ડિયન પીનલ કોડની અશ્લીલતા સંબંધી કલમ ક્રમાંક ૨૯૪માં જાહેરમાં કિસ કરવા સંબંધે સ્પષ્ટ નિદેશ નથી. જાહેરમાં કિસ કરતા લોકો સામે થયેલા કેસ પણ ભારતીય અદાલતોએ અગાઉ ફગાવી દીધા છે.

રિચર્ડ ગેર અને શિલ્પા શેટ્ટીનું પ્રકરણ

હૉલીવુડના અભિનેતા રિચર્ડ ગેરે ૨૦૦૮માં હિન્દી ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને એક જાહેર કાર્યક્રમમાં ગાલ પર કિસ કરી હતી એ બાબતે થયેલા કેસને સુપ્રીમ કોર્ટે ફાલતુ ગણાવીને ફગાવી દીધો હતો.

ગઈ કાલે દિલ્હીમાં RSSના હેડક્વૉર્ટર સામે થયો તમાશો

નૈતિકતાના જાતે બની બેઠેલા પહેરેદારો સામે આંધ્ર પ્રદેશના હૈદરાબાદ અને  કેરળના કોચીની માફક કેટલાક યુવાનોએ ગઈ કાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મથક કેશવ કુંજ સામે કિસ ઑફ લવ ઝુંબેશનું આયોજન કર્યું હતું. દિલ્હી પોલીસે પ્રદર્શનકર્તાઓને ઝંડેવાલાં મેટ્રો સ્ટેશન પર જ અટકાવી દીધા હતા. એ પછી પ્રદર્શનકર્તાઓ કેશવ કુંજ સુધી ચાલતા ગયા હતા. આ દરમ્યાન હિન્દુ સેનાના કાર્યકરો અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. પ્રદર્શનકર્તાઓએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યતરફી સૂત્રોચ્ચાર કર્યા હતા, માનવસાંકળ રચી હતી, સ્ટ્રીટ-પ્લે કર્યું હતું અને એકમેકના ગાલે કિસ કરીને હગ આપી હતી.