મુંબઈમાં રવિવારે યોજાશે કિસાન મહાપંચાયત

25 November, 2021 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની કેન્દ્રની જાહેરાત બાદ યોજાનારી આ ઇવેન્ટના એક દિવસ પહેલાં લખીમપુર ખેરીમાં માર્યા ગયેલા ખેડૂતોની રાખને રાજ્યનાં વિવિધ સ્થળોએ થઈને શહેરમાં લાવવામાં આવશે. 

મુંબઈમાં રવિવારે યોજાશે કિસાન મહાપંચાયત

શહેરના આઝાદ મેદાનમાં રવિવાર, ૨૮ નવેમ્બરે કિસાન મહાપંચાયત યોજાવાની છે. વિવાદાસ્પદ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની કેન્દ્રની જાહેરાત બાદ યોજાનારી આ ઇવેન્ટના એક દિવસ પહેલાં લખીમપુર ખેરીમાં માર્યા ગયેલા ખેડૂતોની રાખને રાજ્યનાં વિવિધ સ્થળોએ થઈને શહેરમાં લાવવામાં આવશે. 
મહાપંચાયતને ટેકો આપનારા શાસક પક્ષ કૉન્ગ્રેસ અને એનસીપીના નેતૃત્વ હેઠળ રાજકીય પક્ષો અને યુનિયનોએ ગઈ કાલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. રાજ્ય કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલે અને એનસીપીના પ્રવક્તા અને પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું કે રાજકીય નેતાઓ રાકેશ ટિકૈત જેવા ખેડૂત નેતાઓ સાથે મંચ પર ન બેસતાં જનતા સાથે બેસશે. આ તમામ લોકો સંયુક્ત શેતકરી કામગાર મોરચાના છત્ર હેઠળ એકઠા થશે. 
બીજેપી સિવાયના પક્ષોમાં શાસક પક્ષ મહાવિકાસ આઘાડીના ભાગીદારો શિવસેના, કૉન્ગ્રેસ, એનસીપી અને તેમનાં યુનિયનો, ડાબેરી પક્ષો તથા યુનિયન અને અન્ય કામદાર અને ખેડૂત યુનિયનો પણ હાજર રહેશે. 
આ ખેડૂતોના નેતાની ઇચ્છા છે કે રાજકીય નેતાઓએ સંભાષણ આપવું નહીં, પરંતુ અમે નેતાઓ ખેડૂતોની રાખ સાથે શહેરભરમાં ફરીશું એમ નવાબ મલિકે જણાવ્યું હતું. 
નાના પટોલેએ કહ્યું હતું કે ‘અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્ર ખેડૂતોની લઘુતમ ટેકાના ભાવની માગણી પૂરી કરે તથા વિવાદાસ્પદ કાયદાને સંસદમાં પાછો ખેંચતાં પહેલાં વિરોધ પક્ષો અને ખેડૂતોના નેતાઓ સાથે વાતચીત કરે. અમે સરકારનો વિશ્વાસ કરતા નથી એટલે અમે સંસદમાં કૃષિ કાયદો પાછો ખેંચાય એ પહેલાં એની વિગતોની અમને માહિતી હોવી જોઈએ.’

Mumbai mumbai news nawab malik