અનિલ પરબના રિસૉર્ટને તોડી પાડવાની માગણી સાથે કિરીટ સોમૈયા આજે રત્નાગિરિમાં

09 August, 2022 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કથિત રિસૉર્ટનું જરૂરી પરવાનગી વિના નિર્માણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે

કિરીટ સોમૈયા

બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ આજે રાજ્યના રત્નાગિરિ જિલ્લાની મુલાકાત લેશે અને દાપોલી શહેરમાં શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મંત્રી અનિલ પરબની સંડોવણી ધરાવતા ગેરકાયદે બંધાયેલા એક રિસૉર્ટને જમીનદોસ્ત કરવાની માગણી કરશે.

કથિત રિસૉર્ટનું જરૂરી પરવાનગી વિના નિર્માણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જોકે અગાઉની ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની રાજ્ય સરકારમાં પરિવહન મંત્રી રહી ચૂકેલા અનિલ પરબે રિસૉર્ટ સાથે તેમને સબંધ હોવાનો આક્ષેપ નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે તેમણે વિવાદાસ્પદ રિસૉર્ટ સાથે તેમને સાંકળવા બદલ કિરીટ સોમૈયા સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.

આ તરફ કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો હતો કે અનિલ પરબ દાપોલીના રિસૉર્ટ સાથે સંકળાયેલા છે અને રિસૉર્ટના બાંધકામમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન સહિતના નિયમોનો ભંગ થયો હતો.
તેમણે કહ્યું હતું કે ‘હું રિસૉર્ટ તોડી પાડવાની મારી અગાઉની માગણીને લઈને મંગળવારે દાપોલી જઈ રહ્યો છું અને ઑથોરિટીને પૂછીશ કે આદેશનો અમલ થવામાં આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે?’

આ તરફ અનિલ પરબે જણાવ્યું હતું કે કિરીટ સોમૈયાએ ૪૦ કરતાં વધુ વખત તેમની સામે આક્ષેપો કર્યા છે અને પોતે જવાબ આપી ચૂક્યા છે કે રિસૉર્ટ સાથે તેમને કશી લેવાદેવા નથી.

mumbai mumbai news kirit somaiya