કિલર હસબન્ડની કરતૂત સીસીટીવી કૅમેરામાં કેદ

12 December, 2012 03:17 AM IST  | 

કિલર હસબન્ડની કરતૂત સીસીટીવી કૅમેરામાં કેદ



સાંતાક્રુઝ પોલીસને શનિવારે જુહુના કોલીવાડાથી મળી આવેલા મહિલાના મૃતદેહના કેસનો ભાંડો સીસીટીવી કૅમેરાનાં ફુટેજને કારણે ફૂટી ગયો હતો. સાંતાક્રુઝમાં જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીમાં કામ કરતી ગુડિયા ઉર્ફે છાયા સિંહનો આ મૃતદેહ હતો જેની હત્યા રિક્ષા-ડ્રાઇવર તરીકે કામ કરતા તેના પતિ શશી રંજન સિંહે કરી હતી. પોલીસને આ હત્યાના સંપૂર્ણ ઘટનાક્રમની માહિતી રિક્ષા-ડ્રાઇવરના ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તેમ જ જુહુના કોલીવાડા પાસે લગાવવામાં આવેલા બીજા એક કૅમેરાનાં ફૂટેજ સાથે સરખાવવાથી મળી હતી. સાંતાક્રુઝ પોલીસે વાકોલાના એક રિક્ષા-ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ રિક્ષા-ડ્રાઇવર પર પત્નીની હત્યા કરીને પછી તેના મૃતદેહને ૧૨ વર્ષની દીકરી અને ૬ વર્ષના દીકરાની મદદથી સગેવગે કરવાનો આરોપ છે. આ હત્યા કરીને પોતાના વતન બિહાર ભાગી ગયેલા આરોપીને ઝડપી લેવા એક ટીમને બિહાર મોકલવામાં આવી છે.

‘મિડ-ડે’એ ગઈ કાલની એડિશનમાં ‘પત્નીની હત્યા કરીને બાળકોની મદદથી ડૅડબોડી સગેવગે કરવાનો પ્રયાસ’ અહેવાલ આપ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ કેસ ઉકેલી નાખ્યો હતો.