લાઇફલાઇન બની લાઇફસેવર

17 September, 2021 08:27 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

એક બ્રેઇન ડેડ દરદીનાં કિડની-‌લિવર ગઈ કાલે કલ્યાણની ફોર્ટિસ હૉસ્પિટલથી લોકલ ટ્રેનમાં પરેલ થઈને ગ્લોબલ હૉસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે લાવવામાં આવ્યાં

ગઈ કાલે ટ્રેનના ડબ્બામાં કિડની અને લિવર લઈ જઈ રહેલા ડૉક્ટરો.

શરીરનું કોઈ પણ અંગ હોય, એ કેટલું મહત્ત્વનું હોય છે એનો આપણે બધાને અંદાજ છે એથી ઘણી વખત લાંબા અંતરથી આવતા ઑર્ગનને એક ક્ષણ પણ વેડફ્યા વગર જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા ગ્રીન કૉરિડોર બનાવીને વિશેષ રીતે એને હૉસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ ગઈ કાલે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનનો આ કામ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરળ, સુરિક્ષત અને ઝડપી રીતે પહોંચવા માટે ટ્રેનનો લોકો વધુ ઉપયોગ કરે છે. એ જ રીતે કલ્યાણની ફોર્ટિસ હૉસ્પિટલથી પરેલની ગ્લોબલ હૉસ્પિટલ સુધી પહોંચવા મુંબઈની લોકલ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ફક્ત ૬૭ મિનિટમાં જ કલ્યાણથી પરેલના ડૉક્ટરો અને રેલવે પોલીસની ટીમ લિવર અને કિડની પરેલ હૉસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. સ્ટેશનથી લઈને પ્લૅટફૉર્મ સુધી ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યા હતા જેથી તાત્કાલિક પ્લૅટફૉર્મ પર પહોંચી શકાય.
આ બનાવ વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કલ્યાણની હૉસ્પિટલમાં બ્રેઇન ડેડ થયેલા એક દરદીનું લિવર અને કિડની પરેલની એક હૉસ્પિટલમાં તાત્કાલિક ધોરણે પહોંચાડવા માટે સેન્ટ્રલ રેલવેએ તમામ કો-ઑર્ડિનેશન કરીને ગ્રીન કૉરિડોર બનાવ્યો હતો. જોકે એમાં પ્રવાસીઓની કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય એની તકેદારી પણ રખાઈ હતી. ગઈ કાલે સવારે ૧૧.૩૮ વાગ્યે કલ્યાણથી કર્જત-સીએસએમટી ફાસ્ટ લોકલ ટ્રેનમાં પ્રવાસ શરૂ થયો અને ૬૭ મિનિટમાં પહોંચી જવાયું હતું. બાય રોડ ગ્રીન કૉરિડોર બનાવ્યો હોત, પણ વરસાદ અને ટ્રાફિકને કારણે જલદી પહોંચી શકાયું ન હોત. આમ તો કલ્યાણથી પરેલ બે કલાક લાગે છે. આ રીતે રેલવે આરોગ્ય સેવા પણ કામ આવ્યું હતું.’

67
આટલી મિનિટ લાગી કલ્યાણથી કિડની અને લિવર પરેલ લાવવામાં

mumbai news Mumbai preeti khuman-thakur mumbai local train