ગાર્ડનમાં જ થશે સ્થાપના ખજૂરિયાચા રાજાની

14 September, 2012 07:51 AM IST  | 

ગાર્ડનમાં જ થશે સ્થાપના ખજૂરિયાચા રાજાની




કાંદિવલી-વેસ્ટમાં મિલાપ થિયેટર અને મજીઠિયાનગર સામે બેસતા જનકલ્યાણ મંડળના ખજૂરિયાચા રાજા તરીકે જાણીતા ગણપતિબાપ્પા ૪૦ વર્ષથી જ્યાં બિરાજમાન થાય છે એ જગ્યા પર તેમની સ્થાપનાને લઈને સર્જાયેલા વિવાદ પર હવે પૂર્ણવિરામ આવી ગયું છે. મુંબઈ જિલ્લાના પાલક પ્રધાન જયંત પાટીલે હસ્તક્ષેપ કરતાં કલેક્ટરે ગાર્ડનમાં ગણેશજીની સ્થાપના કરવાની પરવાનગી આપી છે. જો કે, આ બધા વિવાદમાં એટલો સમય વેડફાઈ ગયો છે કે ૨૧ ફૂટ ઊંચી ગણેશમૂર્તિને શોભે એવી સજાવટ અને મંડળનું કામ કરવા માટેની ચિંતા મંડળને થઈ છે.

કલેક્ટરની માલિકીની ગણાતી અને કાંદિવલી-વેસ્ટમાં મિલાપ થિયેટર તથા મજીઠિયાનગરની સામે આવેલા ખજૂરિયા તળાવની જમીન પર કાંદિવલીના જનકલ્યાણ મંડળને અહીં ગણપતિની સ્થાપના કરવા માટે સુધરાઈએ મંજૂરી ન આપતાં તેમણે કલેક્ટર પાસે મંજૂરી માગી હતી. કલેક્ટરે પહેલાં તો મંજૂરી આપી હતી, પણ પછી એને રિજેક્ટ કરી હતી એટલે બાપ્પાની સ્થાપનાને લઈ ભારે અનિશ્ચિતતા ફેલાઈ હતી. એટલે સુધી કે મંડળ કોર્ટમાં ગયું હતું, પણ અમુક કારણોસર એણે કેસ પાછો લીધા બાદ તેઓ મુંબઈના પાલકપ્રધાન જયંત પાટીલ પાસે પૂરો મામલો લઈ ગયા હતા અને તેમની મધ્યસ્થીને પગલે ખજૂરિયાચા રાજાની સ્થાપના એ જ જગ્યાએ કરવા માટે મંજૂરી મળી હતી.

કાંદિવલીમાં ખજૂરિયા તળાવ પાસે રહેતા મયૂર વકીલે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘વિધાનસભ્ય યોગેશ સાગરના પ્રસ્તાવને માન્ય રાખીને સુધરાઈએ તળાવને પૂરીને ત્યાં સાડાચાર કરોડ રૂપિયાના ખર્ચે ગાર્ડન બનાવી દીધું. એટલે અમે કલેક્ટર પાસેથી મંજૂરી લઈને આવ્યા તો યોગેશ સાગરના દબાણમાં આવીને કલેક્ટરે અમને આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી હતી એટલે નાછૂટકે અમારે કોર્ટમાં જવું પડ્યું, પણ ત્યાં સુનાવણી મોકૂફ રહી હતી અને ગણેશચતુર્થી આડે અઠવાડિયું જ બાકી રહ્યું છે અને પછી તૈયારીઓને પૂરતો સમય પણ નહીં મળે એ વિચારીને મંડળના મોટા ભાગના સભ્યોએ એવું મંતવ્ય આપ્યું કે અમે મિનિસ્ટર જયંત પાટીલની મદદ લઈએ. એટલે ગઈ કાલે મંડળના પદાધિકારીઓ તેમની પાસે ગયા હતા અને તેમને પૂરી બાબતથી વાકેફ કર્યા હતા. તેમને અમારી વાત યોગ્ય જણાઈ આવતાં અમને મદદ કરી હતી અને અમને કલેક્ટર તરફથી ફરી મંજૂરી મળી હતી.

વિવાદ શું છે?

જનકલ્યાણ મંડળના સેક્રેટરી જિગર મહેતાએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે‍ સુધરાઈએ ખજૂરિયા તળાવ પાસે ગણપતિબાપ્પાની સ્થાપના કરવાની મંજૂરી મંડળને ન આપતાં અમે કોર્ટમાં ગયા હતા. જોકે ત્યારે સુધરાઈએ કોર્ટની બહાર સેટલમેન્ટ કરી સ્થાપનાની મંજૂરી આપી હતી, પણ આ વર્ષે ફરી ગણપતિની સ્થાપના કરવા માટે મંજૂરી લેવા ગયા તો ના પાડી દેવામાં આવી હતી. એ દરમ્યાન ખજૂરિયા તળાવની જગ્યાનો પ્લૉટ સુધરાઈની માલિકીનો નહીં પણ કલેક્ટરની માલિકીનો હોવાનું જાણ થતાં બોરીવલીના તહસીલદાર પાસે ગણેશસ્થાપના માટે મંજૂરી લેવા ગયા હતા. કલેક્ટરની ઑફિસમાંથી ગણપતિની સ્થાપના કરવા માટે પૈસા ભરતાં મંજૂરી મળી ગઈ હતી, પણ છેલ્લી ઘડીએ કલેક્ટરની ઑફિસમાંથી કારણ જણાવ્યા વગર જ મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી હતી.’

ખજૂરિયા ગણપતિનો ઇતિહાસ

જનકલ્યાણ મંડળના ખજૂરિયાચા રાજા તરીકે ઓળખાતા આ ગણપતિની સ્થાપના ૪૦ વર્ષ પહેલાં થઈ હતી. આ જગ્યાએ પહેલાં તળાવ હતું અને અહીં આ ગણપતિની મૂર્તિનું વિસર્જન થયું હતું, પણ વર્ષો પહેલાં વિસર્જન વખતે ચારેક ભક્તો તળાવમાં ડૂબી જતાં સ્થાનિક રહેવાસીઓએ અહીં ગણેશમૂર્તિઓનું વિસર્જન ન કરતાં ગણપતિની સ્થાપના કરવાનો નર્ણિય લીધો હતો. વેસ્ટર્ન સબબ્ર્સના લોકોમાં ખાસ કરીને મલાડ-કાંદિવલીના લોકોમાં લાલબાગચા રાજા જેવું જ મહત્વ ધરાવતા ખજૂરિયાચા રાજાનું વિસર્જન પણ ગણપતિ-વિસર્જનના બીજા દિવસે સવારે મલાડ-માર્વેમાં થાય છે.’