૧૪ વર્ષ બાદ કેઈએમ હૉસ્પિટલ પ્રથમ લાઇવ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરશે

22 February, 2024 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉ​​સ્પિટલમાં હાલ બે દર્દી તથા ડોનર્સ છે. આ સાથે હૉ​​સ્પિટલ કૉવિડ-19 વખતે બંધ કરવામાં આવેલી કૅડેવરિક લિવર ટ્રાન્સપ્લાન્ટ ફૅસિલિટીઝ ફરીથી શરૂ કરવા માટે ડોનર્સની રાહ જોઈ રહી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ: સિટીની કિંગ એડવર્ડ મેમોરિયલ હૉ​​સ્પિટલ (કેઈએમ) ૧૪ વર્ષના ઇતિહાસમાં એનું પહેલું લાઇવ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા જઈ રહી છે. હૉ​​સ્પિટલમાં હાલ બે દર્દી તથા ડોનર્સ છે. આ સાથે હૉ​​સ્પિટલ કૉવિડ-19 વખતે બંધ કરવામાં આવેલી કૅડેવરિક લિવર ટ્રાન્સપ્લાન્ટ ફૅસિલિટીઝ ફરીથી શરૂ કરવા માટે ડોનર્સની રાહ જોઈ રહી છે. ૧૯ વ્યક્તિ એ માટે લિસ્ટેડ છે. સર્જિકલ ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. ચેતન કંથારિયાએ જણાવ્યું હતું કે ‘લાઇવ લિવર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને અમે ભરતી કર્યા છે અને ડોનર્સની ફિટનેસની તપાસ કરી રહ્યા છે. આ ઑપરેશન છેલ્લે ૨૦૧૦માં કરવામાં આવ્યું હતું, પરંતુ પોસ્ટ સર્જિકલ ચેપને કારણે ડોનર અને દર્દી બન્ને મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ એ બંધ કરવામાં આવ્યું હતું. આ વખતે સર્જરી બાદના કોઈ પણ પ્રકારના ચેપને ટાળવા માટે હૉસ્ટિપલમાં ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ માટે એક ડેડિકેટેડ આઇસીયુ યુનિટ પણ છે.’

ડૉ. સંગીતા રાવતે જણાવ્યું હતું કે ‘ટ્રાન્સપ્લાન્ટ ફૅસિલિટીઝનું ઉદ્ઘાટન ગયા અઠવાડિયે કરવામાં આવ્યું હતું. હવે વધારાના સ્ટાફને તૈયાર કરવામાં આવશે. છ વર્ષ અને એનાથી વધુ ઉંમરના બાળ-દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પણ ઓપન છે. હાલ આવા કોઈ દર્દી લિસ્ટમાં નથી. ડૉક્ટર્સના અંદાજ મુજબ પ્રથમ કૅડેવરિક ટ્રાન્સપ્લાન્ટ એક મહિનાની અંદર કરવામાં આવશે, જેમાં દર્દીઓને તેમના એન્ડ-સ્ટેજ લિવર ડિસીઝ (એમઈએલડી) સ્કોરના મૉડલને આધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. ડૉ. કંથારિયાએ જણાવ્યું હતું કે ‘અગાઉના દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ માટે બે હૉસ્પિટલોમાં નોંધણી કરાવી શકતા હતા. લૉકડાઉન પછી નિયમો બદલાયા છે. હવે દર્દી માત્ર એક જ હૉ​​સ્પિટલમાં નોંધણી કરાવી શકે છે.’\

ઈશાન કલ્યાણીકર

mumbai news KEM Hospital health tips south mumbai