14 June, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેજલ પવાર
KEM હૉસ્પિટલની MBBSની સ્ટુડન્ટ સેજલ પવારે પ્રણિત મોરે નામના સ્ટૅન્ડઅપ કૉમેડિયનના શોમાં પુરુષ મૃતદેહના લિંગની સાઇઝ બાબતે કરેલી વિવાદાસ્પદ કમેન્ટ બાદ હવે હૉસ્પિટલ મૅનેજમેન્ટે તેને ગઈ કાલે શનિવારથી ૧૫ દિવસ માટે ફરજિયાત રજા પર ઉતારી દીધી છે. હવે તેને આવતા ૧૫ દિવસ હૉસ્પિટલ, કૉલેજ કે હૉસ્ટેલ-કૅમ્પસમાં એન્ટ્રી નહીં મળે. વળી તેને આ સમય દરમ્યાન કોઈ પણ ઍકૅડેમિક કે એક્સ્ટ્રાકરિક્યુલર ઍક્ટિવિટીમાં ભાગ લેવા નહીં મળે. હૉસ્પિટલે તેની આ વર્તણૂકને અનઅૅક્સેપ્ટેબલ અને ઇનટૉલરેબલ ગણાવીને તેની સામે બે સભ્યોની કમિટી નીમીને કેસની તપાસ કરીને અહેવાલ આપવાનું કહ્યું હતું. એ કમિટીએ વિડિયો જોઈને કમેન્ટ કરનાર સેજલ પવાર જ છે એ કન્ફર્મ કર્યા બાદ હૉસ્પિટલ ઍડ્મિનિસ્ટ્રેશને સેજલ પવારના પરિવાર સાથે ચર્ચા કરીને ઉપરોક્ત ઍક્શન લીધી હતી. એ પછી સેજલ પવારની સોંપણી તેના પરિવારજનોને કરવામાં આવી હતી. વિવાદની જાણ થતાં સેજલ પવારના પરિવારજનો આવીને હૉસ્પિટલ ઍડ્મિનિસ્ટ્રેશનને મળ્યા હતા અને તેમણે સેજલના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી. એ ઉપરાંત આ કેસમાં સાઇબર પોલીસે સેજલ પવાર સહિત પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા સામે IT ઍક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સેજલ પવારના આ વર્તન બાદ હવે તેના જૂના વિડિયો પણ સર્ક્યુલેટ થઈ રહ્યા છે જેમાં તેણે હૉસ્પિટલને હલકી ચીતરી હોવાનું જણાયું છે. એક વિડિયોમાં જ્યારે હોસ્ટ તેને પૂછે છે કે તારી કૉલેજ શાને માટે પૉપ્યુલર છે ત્યારે તે કહે છે કે મારી કૉલેજ ડેડ-બૉડીના કટિંગ માટે ફેમસ છે. વળી તેનું કહેવું છે કે કૉલેજ ફૅકલ્ટી (પ્રોફેસર્સ) ટૉક્સિક છે, મારી કૉલેજ ચિંદી છે, એ હંમેશાં ડિસ્કાઉન્ટ માગતી રહે છે. આમ સેજલ પવારે આ કેસ પહેલાં પણ તેની કૉલેજ માટે અને પ્રોફેસર્સ માટે હલકી કમેન્ટ કરી હોવાનું બહાર આવ્યું છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તેને MBBSમાં ઍડ્મિશન પણ શેડ્યુલ્ડ ટ્રાઇબ (ST) ક્વોટા અંતર્ગત મળ્યું હતું અને એ માટે તેણે સબમિટ કરેલું કાસ્ટ-સર્ટિફિકેટ વૅલિડ નહોતું, કારણ કે ST-લિસ્ટમાં તેનું નામ જ નથી. આમ સેજલ પવારને લઈને હવે વધુ ને વધુ વિવાદાસ્પદ વિગતો બહાર આવી રહી છે.