લોકલ ટ્રેનોને રાજકારણથી દૂર રાખોઃ અનિલ દેશમુખ

31 October, 2020 11:46 AM IST  |  Mumbai | Mumbai correspondent

લોકલ ટ્રેનોને રાજકારણથી દૂર રાખોઃ અનિલ દેશમુખ

ફાઇલ ફોટો

રેલવે વહીવટી તંત્રએ લોકોને સબઅર્બન ટ્રેન સેવાઓ પૂરી પાડવામાં મહારાષ્ટ્ર સરકારને સહકાર આપવો જોઇએ અને તેમાં કોઇ રાજકારણ વચ્ચે લાવવું જોઇએ નહીં, તેમ ગૃહ મંત્રી અનિલ દેશમુખે શુક્રવારે જણાવ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતાં દેશમુખે જણાવ્યું હતું કે સરકારે ચોક્કસ ટાઇમ સ્લોટ્સ સૂચવ્યા છે, જેમાં સામાન્ય નાગરિકો આ ટ્રેનોમાં પ્રવાસ કરી શકે છે.
મહારાષ્ટ્ર સરકારે સામાન્ય જનતાને મુંબઇની લોકલ ટ્રેનોમાં પ્રવાસ ખેડવાની છૂટ આપવા માટે બુધવારે રેલવે સમક્ષ દરખાસ્ત કરી હતી. આ સેવા અત્યારે માત્ર જરૂરી સેવાઓના કર્મચારીઓ અને પસંદગીયુક્ત વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ છે. રેલવે ઓથોરિટીએ ગુરુવારે જણાવ્યું હતું કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માત્ર 25 ટકા કરતાં થોડા વધુ લોકો જ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે.
કોવિડ-19 અગાઉના સમયમાં દૈનિક 80 લાખ લોકો મુંબઇની સબઅર્બન લોકલ ટ્રેનોમાં મુસાફરી ખેડતા હતા.
મહારાષ્ટ્ર સરકારે લોકોને કયા સમયે ટ્રેન સેવાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકાય તે માટેના સમય આપ્યા છે. રેલવે વહીવટીતંત્રએ તે મુજબ મહારાષ્ટ્ર સરકારને સહકાર આપવો જોઇએ તેમ દેશમુખે જણાવ્યું હતું. જો રેલવે સહકાર આપશે તો લોકોને અસુવિધાનો અનુભવ નહીં થાય. આથી રેલવે વહીવટી તંત્રએ આ મામલે રાજકારણ વચ્ચે લાવ્યા વિના સહકાર આપવો જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.

mumbai mumbai news mumbai local train