મારી મમ્મી અચાનક ચિલ્લાવા લાગી... મારા હાથ ક્યાં ગયા?

01 August, 2012 03:01 AM IST  | 

મારી મમ્મી અચાનક ચિલ્લાવા લાગી... મારા હાથ ક્યાં ગયા?

રોહિત પરીખ

ઘાટકોપર, તા. ૧

‘અમે શનિવારે બપોરે ઢાબા પર જમ્યા પછી બ્રિજબેહારાનું ટોલનાકું પસાર કર્યું ત્યારે બસની બાજુમાંથી ટૂ-વ્હીલરમાં સવાર બે યુવાનોએ અમારી બસમાં કાંઈક ફેંક્યું હતું જે મારી મમ્મી નિર્મલા રાઠોડના ખોળામાં પડીને ટેમ્પો ટ્રાવેલરમાં નીચે પડ્યું હતું. અચાનક એમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા, જે મારી મમ્મીની આંખમાં ગયા હતા. ત્યાર પછી મારી મમ્મી અચાનક ચિલ્લાવા લાગી હતી કે મારા હાથ ક્યાં ગયા? મારી મમ્મીને કાંઈ જ પ્રૉપર દેખાતું નહોતું. મારી મમ્મીનો કાંડેથી હાથ છૂટો થઈ ગયો હતો. મમ્મીની જેમ જ જે મહિલાઓ નીચે વળી તે બધી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.’

ઘાટકોપર (વેસ્ટ)માં મહાત્મા ગાંધી રોડ પરના એલચીવાલા બિલ્ડિંગમાં રહેતાં અને હાલમાં સવોર્દય હૉસ્પિટલની બાજુમાં આવેલી ઝાયનોવા હૉસ્પિટલમાં હાથ અને પગમાં થયેલી ઈજાઓની સારવાર લઈ રહેલાં પંચાવન વર્ષનાં નીતા ભરત જેઠવાની આંખમાં આંસુ આ વાત કહેતાં આવી ગયાં હતાં. તેમણે ‘મિડ-ડે’ને બ્લાસ્ટની વિગતવાર વાત કરતાં કહ્યું હતું કે ‘જ્યારે અમારી બસમાં એલપીજી સિલિન્ડર હતું જ નહીં તો એમાં ધડાકો થવાની વાત જ ક્યાં આવે છે? જો એલપીજી સિલિન્ડર હતું તો મારી મમ્મીના ખોળામાં જે પડ્યું હતું એ શું હતું? એમાંથી કેમ ધુમાડા નીકળવા લાગ્યા અને અમારી સાથેના જે લોકો એ વસ્તુ શું છે એ જોવા નીચા વળ્યાં તે બધા જ આ દુર્ઘટનામાં મોતને ભેટ્યાં છે. મારી મમ્મીના ખોળામાં જે પડ્યું તે ગ્રેનેડ જ હતો એમાં મને કાંઈ શંકા કરવા જેવું નથી લાગતું. અમારા તો જે જવાના હતા તે જતા રહ્યા છે, અમારી કોઈ સામે ફરિયાદ નથી; પણ એક વાત તો હકીકત છે કે મારી મમ્મીના ખોળામાં જે વસ્તુ પડી એને લીધે જ રહસ્યમય ધડાકો થયો હતો.’

નીતા જેઠવાના પતિ અને ઘાટકોપરના સામાજિક કાર્યકર ભરત જેઠવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આઠ મહિલાઓની વૈષ્ણોદેવીથી શરૂ થયેલી ટૂરમાં કિચન સાથે હતું જ નહીં. તેમણે રસ્તામાં જ જમવાની વ્યવસ્થા કરવાની હતી. એટલે જ તો તેઓ અનંતનાગથી પહલગામ જતાં ઢાબા પાસે જમવા ઊતયાર઼્ હતાં. જ્યારે તેમની સાથે કિચન હતું જ નહીં તો એલપીજી સિલિન્ડરને કારણે ધડાકો થવાની વાત જ કેવી રીતે ચર્ચામાં આવે. આ ચર્ચા મેં ત્યાંના પોલીસ-અધિકારીઓ સાથે પણ કરી હતી.’

જમ્મુની ભગવતી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની બસનો ૪૦ વર્ષનો ડ્રાઇવર અશોકકુમાર આ રહસ્યમય ધડાકામાં સંડોવાયેલો નથી એમ જણાવતાં નીતા જેઠવાએ કહ્યું હતું કે ‘અમારી બસમાં કોઈ અજાણ્યા યુવાનોએ ગ્રેનેડ ફેંકતાં તરત જ અમારો ડ્રાઇવર આ બન્ને યુવાનોને પકડવા તેમની પાછળ દોડ્યો હતો, નહીં કે આ ધડાકામાં સંડાવાયેલો હોવાથી તે બસમાંથી ઊતરીને ભાગ્યો હતો. તેણે કોઈ શૉર્ટકટ લીધો હતો એ બધી જ વાતો ઊપજાવી કાઢેલી છે.’

ભરત જેઠવાએ તેમની પત્ની નીતા કેવી રીતે બચી ગઈ એની વાત કરતાં કહ્યું હતું કે ‘નીતા ડ્રાઇવર-સીટની પાછળ બેઠી હતી, પરંતુ જયશ્રી દેસાઈએ તેને થતી હોવાની ફરિયાદ કરતાં તેણે સીટ બદલી નાખી હતી અને થોડી વારમાં જ બસમાં ધડાકો થતાં જયશ્રી દેસાઈને ખૂબ વાગ્યું હતું. માતાજીની કૃપાથી નીતાને એટલી ગંભીર ઈજા નહોતી થઈ. તે ઘાટકોપરની ઝાયનોવા હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને તેની તબિયત સુધારા પર છે.’

માટુંગાનાં રહેવાસી ૬૨ વર્ષનાં જયશ્રી દેસાઈ અને મલાડનાં ૬૬ વર્ષનાં પ્રતિભા જેઠવાને કાશ્મીરમાં સારી સારવાર મળી રહી છે. ગઈ કાલે જયશ્રી દેસાઈના ઢીંચણમાંથી માંસના લોચા નીકળી જવાને લીધે તેમનું ઢીંચણનું ઑપરેશન અને ઢીંચણમાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. આ બન્ને મહિલાઓની હાલત હવે સુધારા પર છે. જોકે લંડનનાં ૬૫ વર્ષનાં ઇન્દુ પરમારની ગંભીર હાલત છે. તેમના બચવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે, કારણ કે તેમના માથામાં તેમ જ શરીરના ઘણા ભાગોમાં કરચો ખૂંપી જવાથી ઈજાઓ થઈ છે. કેટલીક કરચોએ તો મગજને પણ ઈજા પહોંચાડી છે એટલે તેમનું ઑપરેશન પણ થઈ શકે એમ નથી. તેમને ત્યાંના ડૉક્ટરોએ બ્રેઇન-ડેડ જાહેર કયાર઼્ છે. ઇન્દુબહેનનાં રિલેટિવ્સ લંડનથી ગઈ કાલે આવી ગયાં છે. મુંબઈ આવી ગયેલાં પાર્લાનાં ૮૦ વર્ષનાં જસુમતી ઠક્કરની હાલત સુધારા પર છે.

કાલે બેને અગ્નિદાહ, એકને આજે

બ્લાસ્ટમાં મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓમાંથી વિલે પાર્લેનાં ૭૮ વર્ષનાં નિર્મલા રાઠોડ અને ૭૩ વર્ષનાં ભારતી પુરોહિતને ગઈ કાલે સવારે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જ્યારે લંડનથી આવેલાં ૬૧ વર્ષનાં નિશા જેઠવાને આજે અગ્નિદાહ આપવામાં આવશે.

એલપીજી : લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ