તમે ટૅક્સ-ચોરી કરી છે, તમારા ઘરે અમે પોલીસ લઈને આવી રહ્યા છીએ

23 May, 2022 08:35 AM IST  |  Mumbai | Mehul Jethva

અમેરિકન નાગરિકોને આવો ફોન કરી ડરાવીને પૈસા પડાવતા ગુજરાતીઓએ શરૂ કરેલા કૉલ સેન્ટર પર થાણે પોલીસે પાડી રેઇડ : ૧૧ જણની ધરપકડ કરીને ૨૦ લૅપટૉપ અને અનેક મોબાઇલ ફોન જપ્ત કર્યાં

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : થાણેની કાસરવડવલી પોલીસે વાગળે એસ્ટેટમાં ચાલતા એક કૉલ સેન્ટર પર રેઇડ પાડી હતી, જેમાં અમેરિકન નાગરિકોને ટૅક્સ-ચોરીના નામે ડરાવીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. આ કૉલ સેન્ટર ચલાવતા ત્રણ લોકો સહિત કુલ ૧૧ જણની ધરપકડ કરીને ૨૦ લૅપટૉપ અને અનેક મોબાઇલ ફોન પોલીસે જપ્ત કર્યાં હતાં. સેન્ટર ચલાવતા બે ગુજરાતી આ માટેનું માસ્ટરમાઇન્ડ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
થાણેના ઝોન-૫ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિનયકુમાર રાઠોડને ગુપ્ત બાતમી મળી હતી કે વાગળે એસ્ટેટમાં કિસનનગર વિસ્તારમાં સનરાઇઝ બિઝનેસ પાર્કમાં આવેલી એક ઑફિસમાં કૉલ સેન્ટરના બહાને અમેરિકન નાગરિકોને ફોન કરી ટૅક્સ-ચોરી કરી હોવાનો આરોપ મૂકીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. એના આધારે તેમણે લોકલ પોલીસ સ્ટેશનની ટીમને આ રેઇડથી દૂર રાખી કાસરવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીઓને અહીં રેઇડ પાડવા કહ્યું હતું. તેમણે ગુરુવારે બપોરે અહીં રેઇડ પાડી હતી.
કાસરવડવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી એક ટીમ સનરાઇઝ બિઝનેસ પાર્કમાં સાતમા માળે ૭૦૧ નંબરના ફ્લૅટમાં ચાલતા કૉલ સેન્ટર પર તપાસ માટે ગઈ હતી. અમે ત્યાં પહોંચ્યા ત્યારે બહારથી દરવાજો બંધ હતો એટલે અમે દરવાજો ઠોક્યો હતો, પણ અંદરથી કોઈએ ખોલ્યો નહોતો. જોકે લોકો અંદર હોવાનું અમને સમજાઈ રહ્યું હતું. અમે આશરે બે કલાક સુધી ઊભા રહ્યા હોવા છતાં અંદરથી કોઈએ દરવાજો ન ખોલતાં અમે દરવાજો તોડીને અંદર ગયા હતા. ત્યાંથી ૮૮ પુરુષો અને ૮ મહિલાઓ મળી આવ્યાં હતાં. તેઓ અમેરિકન નાગરિકોને ફોન કરીને તમે ટૅક્સ-ચોરી કરી છે એટલે તમારા ઘરે અમે પોલીસને લઈ આવી રહ્યા છીએ એવી ધમકી આપતા હતા. ત્યાર બાદ થોડી વાર પછી તેઓ સાથે સેટલમેન્ટ કરી તેમને ઑનલાઇન ગિફ્ટ કાર્ડ લેવાનું કહેતા હતા. એ ગિફ્ટ કાર્ડ અમેરિકામાં રહેતા તેમના સાથી કૅશ કરાવતા હતા અને અહીં આરોપીઓને તેમનો હિસ્સો મોકલતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપી તુષાર પરમાર, ભાવિન શાહ, હૈદરઅલી મન્સૂરી, રાયલેન કોલસ સહિત અન્ય સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.’
થાણેના ઝોન-૫ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિનયકુમાર રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓની ધરપકડ કરીને અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીઓ પાસેથી મળેલાં લૅપટૉપ અને મોબાઇલ અમે જપ્ત કર્યાં છે.’

mumbai news thane news