આ પોલીસમૅનને લીધે કસબ ચડશે ફાંસીના માંચડે

30 August, 2012 03:03 AM IST  | 

આ પોલીસમૅનને લીધે કસબ ચડશે ફાંસીના માંચડે

ભૂપેન પટેલ

મુંબઈ, તા. ૩૦

મુંબઈ પર આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે યથાવત્ રાખતાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા હુમલાની તપાસ કરનારા અધિકારી રમેશ મહાલેનો ફોન સતત રણક્યા કરતો હતો. ક્રૉફર્ડ માર્કેટમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ નંબર-૧માં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળતા રમેશ મહાલેને તેમના સહકર્મચારીઓ તથા ઉપરી અધિકારીઓના પ્રશંસા કરતા અનેક ફોન આવતા હતા. રમેશ મહાલેએ રિપોર્ટ તૈયાર કરવામાં દાખવેલી કુશળતાને કારણે જ આ ઘટનામાં મરણ પામેલા ૧૬૬ લોકો જેમાં ૧૬ પોલીસનો પણ સમાવેશ થાય છે તે સૌને ઝડપી ન્યાય મળી શક્યો હતો.

ગર્વપૂર્વક પોતાની વાત માંડતાં રમેશ મહાલેએ કહ્યું હતું કે ‘૧૧,૭૦૦ પાનાંની ચાર્જશીટ તૈયાર કરવા માટે ૯૯ ઑફિસરોની બનેલી ટીમને ૯૦ દિવસ લાગ્યા હતા. નિયત સમયમાં ચાર્જશીટ તૈયાર થઈ જાય એ માટે અમે સવારે આઠ વાગ્યાથી શરૂ કરીને મોડી રાતના બે વાગ્યા સુધી કામ કરતા હતા.’

સમગ્ર શહેરમાં કુલ ૧૨ જેટલા એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા હતા. દરેક એફઆઇઆર માટે એક પોલીસ-અધિકારીને બે અસિસ્ટન્ટ તથા એક કમ્પ્યુટર-ઑપરેટર પણ આપવામાં આવ્યા હતા. વળી ફીલ્ડવર્ક માટે ત્રણથી આઠ જેટલા કૉન્સ્ટેબલોની પણ ફાળવણી કરવામાં આવી હતી. કેટલાક વાહનચોરી જેવા ગુનાઓ માટે ઓછા અધિકારીઓ નીમવામાં આવ્યા હતા.

૧૯૯૩માં થયેલા બૉમ્બવિસ્ફોટની તપાસમાં સહકાર્ય કરી ચૂકેલા રમેશ મહાલેને આતંકવાદી હુમલાના ત્રણ દિવસ બાદ જ તપાસ-અધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા. રમેશ મહાલેએ કહ્યું હતું કે ‘આ હુમલામાં અમારા બાહોશ અધિકારીઓએ જીવ ગુમાવ્યો હતો. મારા ઉપરી અધિકારીઓએ આ તપાસનું નેતૃત્વ મને સોંપ્યું તો મેં નક્કી કર્યું કે તેમની અપેક્ષા પર હું ખરો ઊતરીશ અને એ જ દિવસથી હું કામમાં જોતરાઈ ગયો હતો.’

દેશના એક ઐતિહાસિક કેસમાં સ્થાન પામેલા આ કેસમાં ૯૦ દિવસમાં ૧૧,૭૦૦ પાનાંઓની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. ત્યાર બાદ તરત જ ૧૫૦૦ પાનાંની એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ પણ કોર્ટમાં જમા કરાવવા માટે તૈયાર કરવામાં આવી હતી. આ તપાસે સમગ્ર વિશ્વનું ધ્યાન એની તરફ દોર્યું હતું. પહેલી વખત ભારતીય કોર્ટમાં ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)ના અધિકારીઓની પણ તપાસ કરવામાં આવી હતી.

તેમણે કરેલી મહેનતનો પડઘો સુપ્રીમ કોર્ટના જજ આફતાબ આલમે પણ નોંધ્યો હતો, જ્યારે તે ભૂલથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પેપરને સીબીઆઇના પેપર સમજી બેઠા હતા. કોઈકે તેમને ક્રાઇમ બ્રાન્ચ-ડિટેક્શન (ડીસીબી) ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)નો અર્થ સમજાવતાં તેમને ખબર પડી કે આ ચાર્જશીટ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તૈયાર કરી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની સફળતા બાબતે પોતાની લાગણી વ્યક્ત કરતાં રમેશ મહાલેના ઉપરી અધિકારી જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ હિમાંશુ રૉયે કહ્યું હતું કે ‘ક્રાઇમ બ્રાન્ચ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. આતંકવાદ સામેની અમારી લડાઈ ગંભીર હોવાનું અમે પુરવાર કર્યું છે.’

આ હુમલામાં અબુ જુન્દાલની ભૂમિકા વિશે પણ આવા જ પરિણામની આશા હવે સૌ ઉપરી અધિકારીઓ રાખી રહ્યા છે.

તપાસ ક્યાંથી શરૂ થઈ?

તાજ તથા ઑબેરૉય હોટેલમાં બંદી બનાવવામાં આવેલા લોકોની તપાસથી કામગીરીનો પ્રારંભ થયો હતો. હોટેલમાં પ્રવાસીઓએ રજૂ કરેલા ડૉક્યુમેન્ટને આધારે પોલીસે તેમની ઓળખ કરવાની શરૂઆત કરી હતી. વળી હોટેલના કર્મચારીઓની ઓળખની સાબિતી માટે હોટેલ ઍડ્મિનિસ્ટ્રેશનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ બીજા તબક્કામાં તમામનાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યાં હતાં. રમેશ મહાલેની ટીમે ૯૦ દિવસમાં કુલ ૨૦૦૦ સ્ટેટમેન્ટ લીધાં હતાં.

રમેશ મહાલેએ કહ્યું હતું કે ‘તમામ સ્ટેટમેન્ટને ફૉરેન્સિક લૅબોરેટરીમાં ફૉરેન્સિક રિપોર્ટ માટે જમા કરાવવામાં આવ્યાં હતાં. આતંકવાદીઓ તથા પાકિસ્તાનમાં બેઠેલા કાવતરાખોરો વચ્ચે થયેલી વાતચીતના નમૂનાઓ તેમ જ સીસીટીવી ફુટેજની ચકાસણી પણ કરવામાં આવી હતી. ઘણાબધા પુરાવાઓ ધરાવતો આ કેસ હતો એથી દરેક નાનામાં નાનો પુરાવો અમે ભેગા કરતા હતા તેમ જ જેમણે આ આખા બનાવને જાતે નિહાળ્યો હતો તેમને પણ મળ્યાં હતા.’

તમામ પુરાવાઓ ભેગા કરવાને કારણે નિયત સમયમર્યાદા કરતાં ચાર દિવસ પહેલાં જ ચાર્જશીટ તૈયાર થઈ ગઈ હતી. બાકીના દિવસોનો ઉપયોગ અનલૉફુલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ માટેના કાગળો તૈયાર કરવા માટે  અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસને મદદ કરવામાં આવી હતી.

રમેશ મહાલે કોણ છે?

૧૯૮૩ના બૅચના આ અધિકારીએ ૧૯૯૩ના બૉમ્બવિસ્ફોટ સમયે  દાદરમાં થયેલા ધડાકાની તપાસમાં સહાય કરી હતી. આ ઉપરાંત આઝાદ મેદાનમાં થયેલાં રમખાણ, મંત્રાલયની આગ, ‘મિડ-ડે’ ગ્રુપના ક્રાઇમ ઍન્ડ ઇન્વેસ્ટિગેટિંગ એડિટર જે. ડેની હત્યા જેવા કેટલાક હાઈ પ્રોફાઇલ કેસની તપાસકામગીરી સંભાળી છે. દિલ્હી પોલીસના હાથે પકડવામાં આવેલા અબુ જુન્દાલની ભૂમિકા બાબતની તપાસ પણ તેઓ કરી રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે એન. એમ. જોશી માર્ગ, યલો ગેટ, દાદર તથા સહાર જેવાં પોલીસ-સ્ટેશનમાં કામગીરી બજાવી છે. ક્રાઇમ બ્રાન્ચના યુનિટ નંબર-૧ના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળતાં પહેલાં તેમણે છ વર્ષ ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)માં કામગીરી સંભાળી હતી.

આતંકની એ રાત

૨૦૦૮ની ૨૬ નવેમ્બર, બુધવાર કફ પરેડ ઊતરેલા આતંકવાદીઓમાંથી એક ગ્રુપ ટૅક્સી કરીને રાત્રે સાડાનવ વાગ્યે કોલાબાની કૅફે લિયોપોલ્ડ પર ગયું અને તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો. એક ગ્રુપે રાત્રે સવા દસ વાગ્યે તાજમહલ હોટેલમાં ગોળીબાર શરૂ કર્યો. એક ગ્રુપ નરીમાન હાઉસમાં છુપાયું અને અંધાધૂંધ ગોળીબાર કર્યો. ટૅક્સીમાં બેસીને છત્રપતિ શિવાજી ટર્મિનસ પર આવેલા અજમલ કસબ અને તેના સાથીએ રાત્રે દસ વાગ્યે છત્રપતિ શિવાજી ટર્મિનસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. પછી તેઓ કામા હૉસ્પિટલ થઈને મેટ્રો સિનેમા તરફ ગયા અને રસ્તામાં પોલીસની જીપ પર ગોળીબાર કરીને એમાં જ નાસી છૂટ્યાં.

આતંકવાદીઓ જે બે ટૅક્સીમાં બેઠા હતા એમાં તેમણે બૉમ્બ ફિટ કર્યા હતા. રાત્રે સાડાદસ વાગ્યે વિલે પાર્લેમાં ટૅક્સીમાં બૉમ્બસ્ફોટ થયો અને બીજો બૉમ્બસ્ફોટ ડૉક્યાર્ડ રોડમાં એક ટૅક્સીમાં થયો.

કફ પરેડ ઊતરવાને બદલે બે આતંકવાદીઓ રબરની બોટ લઈને નરીમાન પૉઇન્ટ તરફ ગયા. તેમણે રાત્રે ૧૦.૧૦ વાગ્યે હોટેલ ઑબેરૉયમાં ગોળીબાર શરૂ કર્યો અને નાગરિકોને બંદી બનાવ્યા.

૨૦૦૮ની ૨૭ નવેમ્બર, ગુરુવાર

મધરાત્રે બાર મેટ્રો સિનેમા પાસે બે આતંકવાદીઓ પોલીસની જીપ પર ફાયર કરીને એ જ જીપમાં નાસી છૂટ્યાં. આ પહેલાં તેમણે કરેલા ગોળીબારમાં ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના ચીફ હેમંત કરકરે, વિજય સાળસકર અને અશોક કામટે શહીદ થયા. રાત્રે દોઢ વાગ્યે ગિરગામ ચોપાટી પર અજમલ કસબને જીવતો પકડી લેવામાં આવ્યો. એક આતંકવાદી ઠાર મરાયો. પોલીસ-કૉન્સ્ટેબલ તુકારામ ઓમ્બળે શહીદ થયા. મહારાષ્ટ્રમાં રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો. નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ મુંબઈમાં આવી ગયા.

સવારે ૧૧.૨૫ વાગ્યા સુધીમાં કુલ પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. નરીમાન હાઉસમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે મરીન કમાન્ડોએ જાનની બાજી લગાવી. ઑબેરૉય હોટેલમાં પણ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા. તાજમહલ હોટેલમાં ચાર આતંકવાદીઓ હતા અને તેમની સાથે બે દિવસ લડાઈ ચાલી, પણ એ ચારેયને પણ ઠાર કરીને ત્રીજા દિવસે સફળતા મળી. જોકે મેજર ઉન્નીકૃષ્ણન શહીદ થયા.

ફાંસીની સજા કાયમ રહેતાં કસબ ટેન્શનમાં

અજમલ કસબને ફટકારવામાં આવેલી ફાંસીની સજાને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કાયમ રાખી હતી. આર્થર રોડ જેલમાં જેલના અધિકારીએ તેને આ ન્યુઝ આપ્યા ત્યારે તે ટેન્શનમાં આવી ગયો હતો. તેના હાથ-પગમાં જાણે જોર જ રહ્યું ન હોય એ રીતે તે ઢીલો પડી ગયો હતો અને તેના ચહેરા પર જબરદસ્ત તાણ જોવા મળી હતી.