કસબ મરાઠી ભાષા પણ શીખી ગયો હતો

22 November, 2012 03:06 AM IST  | 

કસબ મરાઠી ભાષા પણ શીખી ગયો હતો

આર્થર રોડ જેલમાં બનાવવામાં આવેલી સ્પેશ્યલ ર્કોટની કાર્યવાહી દરમ્યાન જ તેણે સ્થાનિક ભાષા બહુ ઝડપથી શીખી લીધી હતી. એક વખત ર્કોટની કાર્યવાહી દરમ્યાન મે ૨૦૦૯માં તેણે કહ્યું કે નાહિ નાહિ, તાપ નાહિ (નથી-નથી, મને તાવ નથી). એક વખત સરકારી વકીલ ઉજ્જવલ નિકમને ર્કોટની કાર્યવાહી પૂરી થતાં કહ્યું કે તુમ્હી નિઘુન જા (તમે જઈ શકો છો). મુંબઈ પર હુમલો કરવા માટે તેને મળેલી વિશેષ લશ્કરી તાલીમ પણ એ માટે જવાબદાર હોઈ શકે છે એમ ઉજ્જ્વલ નિકમનું માનવું છે. રક્ષાબંધન વખતે કોઈ યુવતી તેને રાખડી બાંધવા આવશે કે નહીં એની પૂછપરછ પણ તે પોતાના વકીલ સાથે કરતો હતો મટન-બિરયાની ન મળતાં બહુ ગુસ્સો પણ કરતો હતો. બોલીવુડના ગાયક મુકેશનો પણ મોટો ચાહક હતો. એના ગીતો ગણગણ્યા કરતો હતો.

બુધવારે હત્યાકાંડ કરનાર કસબને બુધવારે જ ફાંસી

અજમલ કસબના જીવનમાં બુધવારનો દિવસ મહત્વનો રહ્યો હતો.  ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈમાં તેના અન્ય નવ સાગરીતો સાથે ટેરર અટૅક કરીને હાહાકાર ફેલાવનાર અજમલ કસબને ગઈ કાલે બુધવારે જ પુણેની યેરવડા જેલમાં સવારે સાડાસાત વાગ્યે ફાંસી આપવામાં આવી હતી. રબરની ડિંગી (નાની બોટ)માં કોલાબાની મચ્છીમાર કૉલોનીમાં આવેલા અજમલ કસબ અને તેના સાગરીતોએ અંધાધૂંધ ગોળીબાર કરીને મુંબઈમાં હાહાકાર મચાવ્યો હતો. ૬૦ કલાક સુધી તેઓ આતંક મચાવતા રહ્યા હતા, જેમાં ૧૬૬ જણે જીવ ગુમાવ્યો હતો.

પત્રકારોને કસબના ગામમાં પ્રવેશતા રોકવામાં આવ્યા


કસબને ફાંસી આપ્યાના ન્યુઝ વહેતા થતાની સાથે જ પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા કસબના ગામ ફરીદકોટમાં સુરક્ષા-વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. કેટલાક પત્રકારોએ ફરીદકોટ જવાનો પ્રયાસ કરતાં તેમને રોકવામાં આવ્યા હતા. પંજાબની રાજધાની લાહોરથી ૧૫૦ કિલોમીટરના અંતરે આવેલા ફરીદકોટની બહાર ટીવી ચૅનલના કૅમેરામેનોનો અટકાવવામાં આવ્યા હતા. કેટલાક લોકોએ તેમનો કૅમેરા આંચકી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. અટકાવનારાઓએ પત્રકારોને પકિસ્તાનને બદનામ નહીં કરવા કહ્યું હતું. પાકિસ્તાન અખબાર અને ન્યુઝ ચૅનલ્સના પત્રકારોએ બાદમાં જ્યારે પોલીસની મદદ માગી ત્યારે પોલીસે પણ તેમને સ્થળ છોડીને ચાલ્યા જવા કહ્યું હતું.