કસબને તાવ : ડેન્ગીની શંકા

05 November, 2012 03:13 AM IST  | 

કસબને તાવ : ડેન્ગીની શંકા



મુંબઈ પર ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા હુમલાના દોષી અજમલ કસબને હાઈ સિક્યૉરિટી ધરાવતી અન્ડા સેલમાં તાવ તથા શરદીની સારવાર આપવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર-પાંચ દિવસથી તેને તાવ આવી રહ્યો છે અને તે ડેન્ગીનો શિકાર બન્યો હોય એવી શંકા છે.

જે. જે. હૉસ્પિટલના ડીન ડૉ. તાત્યારાવ લ્હાણેએ કહ્યું હતું કે ‘અજમલ કસબની તબિયતની ચકાસણી અમારી ટીમે કરી છે અને તેના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેને કદાચ ડેન્ગી હોઈ શકે એવી શંકાને કારણે ઘણાબધા રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા, પરંતુ એ તમામ નેગેટિવ આવ્યા છે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં ૧૦ આતંકવાદીઓમાંથી એકમાત્ર તે જીવતો પકડાયો હોવાથી ડૉક્ટરો કોઈ પણ જાતનું જોખમ લેવા માગતા નથી. સારવારની અસર કસબ પર થઈ રહી છે.

જો તેનો તાવ નહીં ઊતરે તો તેને કદાચ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડશે. અત્યારે તેની પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.’

ગયા મહિને સરકારે તેની દયાની અરજી પણ નકારી કાઢી હતી. હવે આ મામલે અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં વિદેશી નાગરિકો સહિત કુલ ૧૬૬ લોકો માર્યા ગયા હતા. ચાર વર્ષ સુધી ચાલેલી લાંબી કાનૂની લડત બાદ સુપ્રીમ ર્કોટે ૨૯ ઑગસ્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા લશ્કર-એ-તય્યબાના સભ્ય એવા અજમલ કસબને આપવામાં આવેલી ફાંસીની સજા યથાવત રાખી હતી.

મચ્છર પણ કસબને મારવા માગે છે


અજમલ કસબને ડેન્ગી થયો હોવાની વાતને ભલે પોલીસ કે ડૉક્ટરોએ સંપૂર્ણ સમર્થન ન આપ્યું હોય, પરંતુ સોશ્યલ નેટવર્કની સાઇટ પર લોકોએ આ મામલે પોતાનાં મંતવ્યો આપવાનાં શરૂ કર્યો છે. કેટલાક લોકોએ અજમલ કસબને જલદીથી ફાંસી પર લટકાવી દેવાની માગણી કરી છે, કારણ કે જો તે ડેન્ગીને કારણે મરી ગયો તો ભારત સરકાર માટે એ નામોશી હશે. બીજા એક વાચકે કહ્યું છે કે પાકિસ્તાની આતંકવાદીને મચ્છર પણ મારવા માગે છે એટલે એ તેને કરડ્યો હતો. કેટલાક લોકોએ આટલા મોટા ગુનેગારની સુરક્ષામાં રહેલી ખામી પ્રત્યે પણ સરકારની ટીકા કરી છે.

જે. જે. = જમશેદજી જીજીભોય