કસબની છેલ્લી ઈચ્છા : "મોતની જાણ મારી અમ્મીને કરી દેજો"

22 November, 2012 03:09 AM IST  | 

કસબની છેલ્લી ઈચ્છા : "મોતની જાણ મારી અમ્મીને કરી દેજો"



સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે ફાંસી અપાઈ એ પહેલાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબને જ્યારે તેની છેલ્લી ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે ‘મારા મોતની જાણ અમ્મીને કરી દેજો.’ એટલું જ નહીં છેલ્લા સમયે કસબે ખુદાની માફી માગી હતી. યેરવડા જેલના જેલરે કહ્યું હતું કે અંતિમ સમયે કસબે કહ્યું હતું કે ‘અલ્લાહ કસમ, માફ કર દો. છોડ દો, ઐસી ગલતી દોબારા નહીં હોગી.’

પાકિસ્તાનના ફરીદકોટ ગામનો વતની કસબ તેના પરિવારમાં માતા નૂરીની સૌથી વધુ નજીક હતો. કસબને ફાંસી અપાયા બાદ તમામ ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ગૃહસચિવ આર. કે. સિંહે પાકિસ્તાનમાં કસબની માતા તથા તેના પરિવારને જાણ કરવા માટે વિદેશ સચિવ રંજન મથાઈને સૂચના આપી હતી. ઇસ્લામાબાદના ભારતીય હાઈ કમિશન મારફતે કસબના પરિવારને જાણ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસબના પરિવારજનોને કુરિયર દ્વારા લેટર મોકલવામાં આવ્યો હતો. કસબને ૧૨ નવેમ્બરે જ ફાંસી વિશે જાણ કરી દેવામાં આવી હતી. ભારતીય હાઇ કમિશને કસબની ફાંસી વિશે જાણ કરતો લેટર પાકિસ્તાન સરકારને મોકલ્યો હતો. જોકે પાકિસ્તાન સરકારે આ લેટર લેવાનો ઇનકાર કરતાં એ ફેક્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.

ફાંસી પહેલાં નર્વસ, પણ શાંત


ફાંસી આપવામાં આવી એની કેટલીક મિનિટો પહેલાં કસબ નર્વસ પણ શાંત હતો. તેણે ફાંસી અપાયા પહેલાં નમાઝ પઢી હતી. જેલના એક ઑફિસરે કહ્યું હતું કે ‘તેની બૉડી-લૅન્ગ્વેજ કહી રહી હતી કે તે બહુ નર્વસ હતો. એમ છતાં તેને તેની કોટડીમાંથી ફાંસી માટે બહાર લાવવામાં આવ્યો ત્યારે બહુ શાંત રહ્યો હતો. તેણે પૂછ્યું હતું કે શું મારી ફૅમિલીને મારી ફાંસીની જાણ કરવામાં આવી છે? ત્યારે ઑફિસરે હકારમાં જવાબ આપ્યો હતો.’

મુંબઈ ટેરર અટૅક પરની ઘટનાનાં ચાર વર્ષ બાદ કસબને ફાંસી આપવામાં આવી હતી. તેની ફાંસીને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી.