કસબ તો મર્યો, પરંતુ તેની ગોળીની પીડા હજી અકબંધ

26 November, 2012 03:30 AM IST  | 

કસબ તો મર્યો, પરંતુ તેની ગોળીની પીડા હજી અકબંધ



૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોને ચાર વર્ષ પછી અજમલ કસબને ફાંસી પર ચડાવવામાં આવતાં ન્યાય જરૂર મળ્યો, પણ તેની ગોળીને કારણે ઈજા પામેલા લોકોના દુ:ખ તેમ જ પીડામાં કોઈ ફરક પડ્યો નથી. આવા જ એક બનાવમાં વિક્રોલીમાં રહેતી ૪૦ વર્ષની ગૃહિણી પૂનમ સિંહા ચાર વર્ષ પહેલાં સીએસટી પર અજમલ કસબની ગોળીથી ઘાયલ થઈ હતી. તે ઉત્તર પ્રદેશમાં આવેલા પોતાના ઘરે જવા નીકળી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. એમાં તેના છ વર્ષના પુત્રની હાથની એક આંગળી પણ ગોળી વાગતાં કપાવવી પડી હતી.

આ બનાવે તેમના જીવનમાં ભારે પરિવર્તન લાવી દીધું હતું. પોતાની પત્નીના સારવાર માટે વ્યસ્ત થઈ ગયેલા પતિની નોકરી ચાલી જતાં પરિવાર ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. ગયા વર્ષના ડિસેમ્બર સુધી તેની પત્નીના પેટમાં ગોળી રહી ગઈ હોવાની વાતથી તેઓ અજાણ હતા. તેની હાલત બગડતાં એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી ત્યારે બુલેટનો કેટલોક ભાગ પેટમાં રહી ગયો હોવાની જાણ થઈ હતી. પતિએ જણાવ્યું હતું કે જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીને કારણે તેની પત્નીને હર્નિયા થયું હતું.

આ બનાવમાં અત્યાર સુધીમાં તેમને માત્ર બે લાખ રૂપિયાનું વળતર જ મળ્યું છે અને એના કરતાં પણ વધારે ખર્ચ થયો છે. ચાર સંતાનોની માતા પૂનમની સારવારમાં વ્યસ્ત હોવાથી નોકરી પર ગેરહાજર રહેતાં છેલ્લા કેટલાક મહિનાથી તેના પતિ સંતોષ સિંહે નોકરી પણ ગુમાવી દીધી હતી.

જે. જે. હૉસ્પિટલના ડીન ટી. પી. લહાણેએ કહ્યું હતું કે ‘એવું બની જ ન શકે કે અમે તેમના પરિવારને પેટમાં ગોળીના કેટલાંક અંશો રહી ગયા છે એની માહિતી જ ન આપી હોય. પેશન્ટને ડિસ્ચાર્જ કરતી વખતે તમામ માહિતીઓ આપવામાં આવે છે.’

૨૬/૧૧ની ગોઝારી યાદ

ઉત્તર પ્રદેશમાં કાકાના મરણપ્રસંગમાં હાજરી આપવા પૂનમ સિંહા સીએસટી સ્ટેશન પાસે ટ્રેનની રાહ જોઈ રહી હતી. ગોળીબારના અવાજો સંભળાતાં તેનો છ વર્ષનો પુત્ર શું ચાલી રહ્યું છે એ જોવા ઊભો થયો હતો. એ વખતે કસબ દ્વારા કરવામાં આવતા ગોળીબારમાં પોતાના પુત્રને બચાવવા તે આગળ આવી અને તેને ગોળી વાગી હતી. આ બનાવ પછી તે ક્યારેય સીએસટી સ્ટેશન ગઈ નથી. ઉત્તર પ્રદેશ જવા માટે પૂનમ સિંહનો પરિવાર કુર્લા ટર્મિનસથી જ ટ્રેન પકડે છે. અજમલ કસબને ફાંસી પર ચડાવ્યાની ઘટનાથી તેઓ ખુશ છે એવા સવાલનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે કસબ મર્યો છે એનું કોઈ સાક્ષી નથી, માત્ર તેને ફાંસી પર ચડાવી દીધાના સમાચાર પૂરતા નથી.