સિનિયર જેલ સુપરિન્ટેન્ડન્ટે આપી ફાંસી

22 November, 2012 05:26 AM IST  | 

સિનિયર જેલ સુપરિન્ટેન્ડન્ટે આપી ફાંસી



કસબની ફાંસીના સરકારી ડૉક્ટર સહિત ૧૭ જેટલા અધિકારીઓ સાક્ષી બન્યા હતા અને આ સંપૂર્ણ ઘટનાનું વિડિયો રેકૉર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. જેલના મૅન્યુઅલમાં દર્શાવેલા તમામ નિયમોનું પાલન કરીને કસબને ફાંસી આપવામાં આવી હતી. અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરે નહીં ત્યાં સુધી લગભગ ૩૦ મિનિટ સુધી તેની લાશ ફાંસીના માંચડે લટકતી રહી હતી.

ગઈ કાલે સવારે કસબને યેરવડા જેલમાં ફાંસીને માંચડે લટકાવ્યા બાદ જલ્લાદને પાંચ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. રાજયના ગૃહપ્રધાન આર. આર. પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ‘કસબને ફાંસીના માંચડે લટકાવવા માટે અનેક લોકોએ મફતમાં આ કામ કરવાની તૈયારી બતાવતા પત્ર મહારાષ્ટ્ર સરકારને લખ્યા હતા, પણ અમે અધિકૃત વ્યક્તિની જ આ કામ માટે પસંદગી કરી હતી. અગાઉ ફાંસી આપનારા જલ્લાદને તેના કામ માટે ૧૦ રૂપિયા આપવામાં આવતા હતા, પણ કસબને ફાંસી આપનારા જલ્લાદને સરકારે પાંચ હજાર રૂપિયા તેના મહેનતાણારૂપે ચૂકવ્યા હતા.’