બ્રાહ્મણને દક્ષિણા, લગ્નનો ખર્ચ, ડેકોરેશન અને ૨૦૦ માણસોનો જમણવાર કર્યો

15 December, 2019 03:26 PM IST  |  Mumbai Desk

બ્રાહ્મણને દક્ષિણા, લગ્નનો ખર્ચ, ડેકોરેશન અને ૨૦૦ માણસોનો જમણવાર કર્યો

આર્થિક રીતે નબળા યુવકના લગ્ન કરાવતા શ્રી મલાડ કપોળ મંડળના મહાનુભાવો.

હાલના મોંઘવારીના જમાનામાં દીકરા-દીકરીનાં લગ્ન કરવાં એ મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગને માટે મુશ્કેલ બની રહ્યું છે ત્યારે મલાડમાં છેલ્લાં ૪૦ વર્ષથી કાર્યરત શ્રી મલાડ કપોળ મંડળે પ્રથમ વખત શનિવારે જ્ઞાતિના ગરીબ ઘરના છોકરા સંગમ જાગ્રત વોરાનાં લગ્ન જયશ્રી કવજીભાઈ પટેલ સાથે કરાવીને સુંદર દાખલો બેસાડ્યો છે. મંડળે થોડા વખત પહેલાં જ્ઞાતિની સમાચાર-બુકમાં જાહેરખબર આપી હતી કે ‘જો કોઈ જ્ઞાતિબંધુ આર્થિક રીતે મુશ્કેલીમાં હોય અને દીકરા કે દીકરીનાં લગ્નના ખર્ચને પહોંચી વળી શકે એમ ન હોય તો જાણ કરવી. મંડળ લગ્ન કરાવી આપશે.’ એ જાહેરખબર વાંચીને મલાડ-ઈસ્ટના જિતેન્દ્ર રોડ પર રહેતાં આરતી જાગ્રત વોરાએ તેમની દીકરા સંગમનાં લગ્ન માટે મંડળનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ મંડળે આ આખું આયોજન ઉપાડી લીધું હતું. ૨૮ વર્ષનો સંગમ હાલમાં ડ્રાઇવર તરીકે ટેમ્પરરી જૉબ કરે છે.

મંડળના પ્રમુખ પ્રવીણ મહેતાએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મંડળના સેક્રેટરી જિતેન્દ્ર કે. દોશી અને અન્ય કમિટી-મેમ્બરોની સહાયથી આ પ્રસંગ પાર પાડવામાં આવ્યો હતો. આ લગ્ન માટે મંડળ દ્વારા કોઈ પણ દાતા પાસેથી ફાળો લેવામાં આવ્યો નથી. મંડળનું જે ફન્ડ છે અને જેમાં લાઇફટાઇમ મેમ્બરોની ફી અને અન્ય જમા પૂંજી હતી એમાંથી આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન જ્ઞાતિના જ મલાડના કાંચપાડામાં આવેલા કપોળ બૅન્ક્વેટ હૉલમાં રાખવામાં આવ્યાં હતાં. એમાં બ્રાહ્મણની દક્ષિણા, લગ્નખર્ચ, વર-વધૂના બ્યુટીપાર્લરનો ખર્ચ અને ૨૦૦ માણસોના જમણવારનો ખર્ચ મંડળે ઉપાડી લીધો હતો. દીકરીના પરિવારે દીકરીને કપડાં-લત્તા અને દાગીના ભેટ આપ્યાં હતાં.
મંડળ તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો મલાડના કોઈ પણ જ્ઞાતિબંધુને તેમનાં દીકરા કે દીકરીનાં લગ્ન કરવામાં આર્થિક મુશ્કેલી પડતી હોય તો તેઓ મંડળને જાણ કરે, મંડળ તેમની દીકરી કે દીકરાનાં લગ્ન કરાવી આપશે. જોકે તેમની આ જાહેરાતને જ્ઞાતિબંધુઓએ વધાવી લીધી હતી.
સંગમનાં મમ્મી આરતીબહેને કહ્યું કે ‘સંગમના પપ્પાનું અવસાન થયું છે. મારા મોટા દીકરા અને દીકરીનાં લગ્ન થઈ ગયાં છે. મોટો દીકરો અલગ રહે છે, હું અને સંગમ સાથે રહીએ છીએ. મંડળનો સંપર્ક કરતાં તેમણે અમારી અરજીને ઉત્સાહથી વધાવી લીધી હતી અને લગ્નનું આયોજન કર્યું હતું. મંડળે એટલી સરસ રીતે આયોજન કર્યું હતું કે ન પૂછો વાત. મારા દીકરાનાં લગ્ન આટલી સરસ રીતે થશે એવું મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું. હું આ મંડળનો ખૂબ-ખૂબ આભાર માનું છું.’

મિત્રનાં લગ્નમાં મળ્યાં અને દિલ મળ્યાં
સંગમ અને જયશ્રીની ઓળખાણ એક મિત્રનાં લગ્નમાં થઈ હતી. ત્યાર બાદ તેમણે એકબીજાના ફોનનંબર લઈને વૉટ્સઍપ પર સંપર્કમાં હતાં. ત્યાર બાદ તેમનો પરિચય પહેલા પ્રેમમાં અને એ પછી હવે પરિણયમાં પરિણમ્યો. જયશ્રી સેલવાસ રહે છે અને તેના પિતા પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરે છે.

malad mumbai