કપિલ શર્માને પણ કાર-ડિઝાઇનર ડીસીએ લગાવ્યો ચૂનો

08 January, 2021 12:52 PM IST  |  Mumbai | Mumbai correspondent

કપિલ શર્માને પણ કાર-ડિઝાઇનર ડીસીએ લગાવ્યો ચૂનો

ગઇકાલે પોલીસમાં ફરિયાદ કરીને બહાર આવી રહેલો કપિલ શર્મા.

મશહૂર કૉમેડિયન અને ઍક્ટર કપિલ શર્માએ તેની વૅનિટી વૅન બનાવવા દિલીપ છાબરિયાની દિલીપ છાબરિયા-ડીસી ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડને પાંચ કરોડ રૂપિયા કરતાં વધુની રકમ આપી હોવા છતાં દિલીપ છાબરિયાએ તેને વૅનિટી વૅન બનાવી ન આપતાં આ સંદર્ભે કપિલ શર્માએ ઈઓડબ્લ્યુમાં ફરિયાદ કરી હતી. ગઈ કાલે તેણે આ સંદર્ભે મુંબઈ પોલીસ-કમિશનર પરમબીર સિંહની મુલાકત લીધી હતી અને તેનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું.
મુંબઈ પોલીસે કપિલ શર્માએ કરેલી ફરિયાદ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે કપિલ શર્માએ માર્ચ 2017થી લઈને મે 2017 સુધી રૂપિયા 5.30 કરોડ ડીસી ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડને વૅનિટી વૅન બનાવવા આપ્યા હતા, પણ એ પછી પણ ડીસી દ્વારા એ વૅન બનાવવામાં બહુ પ્રગત‌િ થઈ નહોતી. 2018માં જીએસટી લાગુ કરાયા બાદ ડીસી તરફથી તેમની પાસે 40 લાખથી વધુની માગ કરાઈ હતી. કપિલ શર્માએ એ રકમ પણ તેમને ચૂકવી દીધી હતી. એ આપ્યા પછી પણ કામ આગળ વધી નહોતું રહ્યું. એથી આખરે 2019માં કપિલ શર્માએ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો. એથી ટ્રિબ્યુનલે એ સંદર્ભે પ્રાથમિક તપાસ કરી ડીસી ડિઝાઇન્સનાં બૅન્ક-અકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં હતાં. એ પછી દિલીપ છાબરિયાએ કપિલ શર્માનો ફરી સંપર્ક કર્યો અને કહ્યું કે જો તમે મને 60 લાખ રોકડા આપો તો વૅનિટી વૅન બનાવી આપું, પણ એ માટે કપિલ શર્માએ ઇનકાર કરી દીધો હતો. એ પછી ડીસી ડિઝાઇન્સે કપિલ શર્માની એ વૅન (બસની શાસિસ) જે તેમના પ્રિમાઇસિસમાં ડિઝાઇન્સ માટે પાર્ક કરાઈ હતી એનું પાર્કિંગનું 12-13 લાખનું બિલ કપિલ શર્માને મોકલાવી આપ્યું. સપ્ટેમ્બર, 2020માં કપિલ શર્માએ આ સંદર્ભે મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગમાં ફરિયાદ નોંધાવી હતી જેની ઇન્ક્વાયરી ચાલી રહી હતી. ગઈ કાલે એના પર ફાઇનલ ડિસિઝન લઈને ફરિયાદ રજિસ્ટર્ડ કરાઈ હતી અને એમાં ક્રિમિનલ મિસઅપ્રોપ્રીએશન ઑફ ફન્ડ્સ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

mumbai mumbai news kapil sharma indian television entertainment news television news