મીઠાના અગરની જમીન માટે સરકારી અધિકારીઓને કાંજુર વહાલું, ભાંડુપ દવલું

14 January, 2021 08:45 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મીઠાના અગરની જમીન માટે સરકારી અધિકારીઓને કાંજુર વહાલું, ભાંડુપ દવલું

એ જમીન પર લાંબા વખતથી જે ગેરકાયદે ઝૂંપડપટ્ટી છે એ સૉલ્ટ કમિશનરની ઑફિસથી માંડ અડધો કિલોમીટર દૂર છે.

કાંજુર માર્ગની જમીન પર મેટ્રો કારશેડ બાંધવા સામે વિરોધ કરવામાં કેન્દ્ર સરકારના મીઠાના અગરના વિભાગ (સૉલ્ટ પૅન ડિપાર્ટમેન્ટ)ના અધિકારીઓએ જે જોશ અને ઉત્સાહ દાખવ્યા હતા એ જોશ અને ઉત્સાહ ગેરકાયદે બાંધકામો હટાવવાની બાબતમાં જોવા મળતા નથી. મેટ્રો કારશેડ માટે રાજ્ય સરકારે કાંજુર માર્ગમાં પસંદ કરેલી જમીનથી ૩૦૦થી ૪૦૦ મીટર દૂર ભાંડુપમાં પણ સૉલ્ટ પેન ડિપાર્ટમેન્ટની જમીન છે. એ જમીન પર લાંબા વખતથી જે ગેરકાયદે ઝૂંપડપટ્ટી છે એ સૉલ્ટ કમિશનરની ઑફિસથી માંડ અડધો કિલોમીટર દૂર છે.
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારે આરે કૉલોનીથી કાંજુર માર્ગમાં શિફ્ટ કરેલા કારશેડની ૧૦૨ એકર જમીનને મુદ્દે રાજ્ય સરકાર અને કેન્દ્રના સૉલ્ટ પૅન ડિપાર્ટમેન્ટ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. એક વખતમાં દરિયાના પાણીમાંથી મીઠું પકવવા માટે જે જમીનનો ઉપયોગ થતો હતો એ જમીન પર ૨૦૦ કરતાં વધારે વાંસ અને તાડપત્રીનાં બનેલાં રહેઠાણો અને કેટલાંક ઈંટો અને રેતી-સિમેન્ટનાં વૉટર કનેક્શન ધરાવતાં બાંધકામો હાલ જોવા મળે છે. આ સંદર્ભમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સુપરિન્ટેન્ડન્ટ ઑફ સૉલ્ટની ભાંડુપ (ઈસ્ટ)સ્થિત કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ગેરકાયદે બાંધકામો લૉકડાઉનના સમયમાં વધી ગયાં છે. એ બાબતે અમે પોલીસને જાણ કરીને ડિમોલિશન વેળા રક્ષણ માગ્યું છે. પોલીસ તરફથી રક્ષણ-બંદોબસ્તની જોગવાઈ કરવામાં આવતાં જ અમે ગેરકાયદે ઝૂંપડાં તોડી પાડીશું.’
આરે કૉલોનીમાં મેટ્રો કારશેડ બાંધવા સામે વિરોધ કરનારા પર્યાવરણવાદી ચળવળકાર સ્ટાલિન ડીએ જણાવ્યું હતું કે ગેરકાયદે બાંધકામો અને દરિયાકાંઠેથી મૅન્ગ્રુવ્ઝની કતલ તરફ સૉલ્ટ કમિશનર આંખ આડા કાન કરી રહ્યા છે. હવે જમીન માફિયાઓ ખાલી પડેલી જમીન પર રાતે બાંધકામનો કાટમાળ-કચરો ઠાલવીને ભવિષ્યમાં એ જમીન પર ઝૂંપડાં ઊભાં કરવાની વેતરણમાં હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબતમાં પર્યાવરણવાદી નંદકુમાર પવારે મહેસૂલ ખાતાના અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી.

ranjeet jadhav mumbai mumbai news bhandup