શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્ની કનિકા બની લેફ્ટનન્ટ

24 November, 2020 11:55 AM IST  |  Mumbai | Mumbai correspondent

શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્ની કનિકા બની લેફ્ટનન્ટ

લેફ્ટનન્ટ બનેલી શહીદ કૌસ્તુભ રાણેની પત્ની કનિકા.

મીરા રોડના સુપુત્ર શહીદ મેજર કૌસ્તુભ રાણેનાં વીર પત્ની કનિકા રાણે શહીદ પતિના સપનાને પૂરું કરવા આરામદાયક જીવન જીવવાને બદલે દેશની સેવા કરવા આગળ આવીને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બની ગયાં છે. હાલમાં જ ચેન્નઈસ્થિત સૈન્ય અધિકારી ઍકૅડમીમાં તેમણે પ્રશિક્ષણ પૂરું કર્યું છે. તેમની અને તેમના પરિવારજનોની દેશભક્તિ તેમ જ એક વીર નારીના ધૈર્ય, સંકલ્પ અને જુનૂનનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે અને તેમને સૅલ્યુટ છે.
મુંબઈના ડિફેન્સ પીઆરઓ દ્વારા જાહેર કરેલા એક વિડિયોમાં કનિકાએ કહ્યું હતું કે ‘સફળતા મેળવવા માટે શારીરિક ક્ષમતાની સાથે માનસિક શક્તિની પણ આવશ્યકતા હોય છે. હું અહીં આવવા પહેલાં ૧૦૦ મીટર પણ દોડી શકતી નહોતી. આજે હું ૪૦ કિલોમીટર દોડી શકું છું.’
તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે બસ પોતાના પતિની સાથે જવાબદારીઓની અદલાબદલી કરી છે, કારણ કે તેમની જગ્યા પર તેઓ પણ હોત તો તેમણે આ જ કર્યું હોત. તેમ જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતાના પતિનાં એ સપનાં અને લક્ષ્યોને પૂરાં કરવા ભારતીય સેનામાં જોડાયાં છે જેને તેઓ પાછળ છોડી ગયા છે. ચેન્નઈ સૈન્ય અધિકારી પ્રશિક્ષણ ઍકૅડમીમાં આ વર્ષે ૧૮૧ પુરુષો અને ૪૯ મહિલાઓએ આ પરીક્ષા પાસ કરી છે.
વર્ષ ૨૦૧૮ની ૬ ઑગસ્ટે એટલે કે બે વર્ષ પહેલાં ઉત્તરી કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે આતંકવાદીઓની ઘૂસપેઠને નાકામ કરવા સમયે મેજર કૌસ્તુભ રાણે શહીદ થયા હતા. શહીદ મેજર કૌસ્તુભ રાણેનાં માતા-પિતા મીરા રોડમાં રહે છે. શહીદ મેજર વીરગતિને પ્રાપ્ત થયા ત્યારે તેમનો એકમાત્ર દીકરો અગસ્ત્ય એ વખતે ફક્ત બે વર્ષનો હતો. એમ છતાં વીર પત્ની કનિકાએ પોતાને અને પરિવારજનોને હિંમત આપી અને શહીદ પતિનાં પદચિહ્નો પર ચાલી સેનામાં જોડાવાનો નિર્ણય લીધો હતો. કનિકાએ કમ્પ્યુટર એન્જિનિયરિંગ સાથે એમબીએ પણ કર્યું છે. હાલમાં જ આ વર્ષે ઉધમપુરના એક સૈન્ય સમારોહમાં કનિકાને તેમના પતિની કામગીરી બદલ ‘ગૅલેન્ટ્રી’ પુરસ્કાર (શૌર્ય પદક)થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વીર પત્ની કનિકા રાણેએ લેફ્ટનન્ટ બનીને મીરા-ભાઈંદર સહિત સંપૂર્ણ દેશને ગર્વનો અનુભવ કરાવ્યો છે. એથી આ વીર પત્નીના ધૈર્ય, સંકલ્પ, દૃઢ જુનૂનને ખરા અર્થે સૅલ્યુટ છે. શહીદ મેજરના સન્માનમાં મીરા રોડ રેલવે સ્ટેશનની પાસે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ ‘વીર સ્મૃતિ સ્મારક’નું નિર્માણ પણ કર્યું હતું. તેમ જ મીરા રોડના જૉગર્સ પાર્કનું નામ બદલીને મેજર કૌસ્તુભ રાણે પાર્ક કરવામાં આવ્યું છે.
શહીદ મેજર કૌસ્તુભ રાણેનાં મમ્મી જ્યોતિ રાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરાની અમને ખૂબ યાદ આવે છે, પરંતુ કનિકાએ લીધેલા નિર્ણયની સાથે અમે સંપૂર્ણ રીતે તેની સાથે જ હતાં. હવે તે લેફ્ટનન્ટ બની ગઈ હોવાથી અમે ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. બ્રૉડ માઇડેન્ડ રહીને અમે તેને કોઈ નિર્ણય લેવામાં અટકાવી નથી. કનિકાએ દેશની સેવા માટે ઘણાં સપનાંઓ જોયાં છે એ તેને પૂરાં કરવાં છે અને અમે તેની સાથે હંમેશાં છીએ.’

mumbai mumbai news mira road