કાંદિવલીનો સ્ટન્ટમૅન પકડાયો

17 October, 2020 10:59 AM IST  |  Mumbai | Mumbai correspondent

કાંદિવલીનો સ્ટન્ટમૅન પકડાયો

કાંદિવલીનો સ્ટન્ટમૅન પકડાયો

ત્રણ દિવસ પહેલાં એક ઊંચી ઇમારતના છજા પર જોખમી સ્ટન્ટ કરનાર એક યુવકનો એક મિનિટ ૧૯ સેકન્ડનો વિડિયો વાઇરલ થયો હતો. કાંદિવલી પોલીસે સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ કરનાર અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ગુરુવારે રાતે પોલીસે આ મામલામાં ત્રણ યુવકની ધરપકડ કરી હતી. તપાસમાં જણાયું હતું કે પકડાયેલા ત્રણ સ્ટન્ટબાજે બૉલીવુડના ‘સિમ્બા’ અને ‘બાગી’ જેવી ફિલ્મમાં ડાન્સ પણ કર્યો છે. એટલું જ નહીં, પણ ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ અને ‘ડાન્સ મહારાષ્ટ્ર’ જેવા રિયલિટી શોમાં પણ પાર્ટિસિપેટ કર્યું છે.
પોલીસે જણાવ્યા મુજબ સ્ટન્ટ કરનાર નૉર્મન ડિસોઝા નામના યુવકે કાંદિવલીના લાલજીપાડામાં આવેલી એક હાઇરાઇઝ બિલ્ડિંગના બાવીસમા માળની બાલ્કનીના છજા પર ઊંધા માથે ઊભા રહીને સ્ટન્ટ કર્યો હતો, જ્યારે તેના એક મિત્રે સ્ટન્ટનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને વાઇરલ કર્યો હતો. પોલીસે વિડિયો વાઇરલ થયા બાદ તપાસ હાથ ધરીને નૉર્મન અને તેના બે સાથીઓને આઇપીસીની કલમ ૩૩૬, ૩૪ અને આઇટી ઍક્ટની ધારા ૬૬(એ) અનુસાર કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે.
કાંદિવલીના પોલીસ-ઇન્સ્પેક્ટર રવિ અડાણેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પકડાયેલા ત્રણેય આરોપીઓ કાંદિવલીના રહેવાસી છે. તેઓ ડાન્સર હોવાની સાથે ફિલ્મોમાં સ્ટન્ટ કરે છે. યુવાનો બૉલીવુડની ફિલ્મોમાં સ્ટન્ટ-પર્ફોર્મન્સ પણ કર્યો છે અને અન્ય રિયલિટી શોમાં પણ ભાગ લીધો છે તેમ જ મુંબઈની અનેક ઇવેન્ટમાં પર્ફોર્મન્સ કરે છે.’

mumbai mumbai news kandivli