કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ સ્કૂલને નથી નડતા કોરોનાના કોઈ નિયમ

19 February, 2021 08:02 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ સ્કૂલને નથી નડતા કોરોનાના કોઈ નિયમ

છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોવિડના નિયમોનું સખતાઈથી પાલન કરાવી રહી છે અને બેદરકાર મુંબઈગરાઓને ફરીથી શિસ્તમાં આવી જવાનું કહી રહી છે ત્યારે કાંદિવલીની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલે ઑફલાઇન એક્ઝામ રાખીને બધાને ચોંકાવી દીધા છે.

અત્યારે મુંબઈમાં કોઈ પણ સ્કૂલ કે કૉલેજને ઑફલાઇન એજ્યુકેશન આપવાની કે એક્ઝામ લેવાની પરવાનગી ન હોવા છતાં સ્કૂલે આ નિર્ણય લેતાં પેરન્ટ્સ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. નવાઈની વાત એ છે કે સ્કૂલે નવમા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફાઇનલ પરીક્ષા ઑફલાઇન લેવા માટે સંમતિ લીધી છે, પણ દસમાના વિદ્યાર્થીઓને તો ફરજિયાત ઑફલાઇન એક્ઝામ આપવા કહ્યું છે. ગઈ કાલથી બન્ને ધોરણની પરીક્ષા શરૂ થઈ ગઈ છે.

આ તો કંઈ નથી. સ્કૂલે નવમા ધોરણના વિદ્યાર્થીઓને છેક છેલ્લા દિવસે એટલે કે બુધવારે સાંજે ઑનલાઇન પરીક્ષા આપવા માટેનું ફૉર્મ મોકલીને વિકલ્પ આપ્યો હતો. ઘણા પેરન્ટ્સ જે હાલની કોરોનાની પરિસ્થિતિમાં તેમનાં બાળકોને સ્કૂલમાં મોકલીને રિસ્ક લેવા ન માગતા હોય તેમનું કહેવું હતું કે સ્કૂલે આ ઑપ્શન વહેલો આપવો જોઈતો હતો. જોકે એમ છતાં કેટલાક વાલીઓએ એ ઑપ્શન સ્વીકારીને બાળકોની એક્ઝામ ઑનલાઇન આપવાનું જ નક્કી કર્યું છે.

આઇસીએસઈ બોર્ડની આ સ્કૂલના વાલીઓ અને સ્કૂલ-મૅનેજમેન્ટ વચ્ચે ટ્યુશન-ફી સિવાયની ફીના મુદ્દે થયેલી તકરારનો મુદ્દો થોડા વખત પહેલાં જ ગાજ્યો હતો. હવે સ્કૂલ નવમા ધોરણની ફાઇનલ એક્ઝામ અને દસમા ધોરણની પ્રિલિમ એક્ઝામ સ્કૂલમાં ઑફલાઇન લઈ રહી છે. એક્ઝામનું ટાઇમટેબલ જાન્યુઆરી એન્ડમાં અપાયું હતું અને ત્યાર બાદ કેટલાક વાલીઓએ કોરોનાને કારણે બાળકોને એક્ઝામ માટે પણ સ્કૂલમાં મોકલવાની નારાજગી દર્શાવતાં આખરે સ્કૂલ-મૅનેજમેન્ટે એક્ઝામના આગલા દિવસે એટલે કે બુધવારે સાંજે માત્ર નવમા ધોરણનાં બાળકો માટે તેમને જો ઑનલાઇન એક્ઝામ આપવી હોય તો એનું ફૉર્મ ભરીને મોકલવા કહ્યું હતું.

આ વિશે જણાવતાં નવમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું હતું કે ‘સ્કૂલ દ્વારા ૨૬ જાન્યુઆરીએ અમને એક્ઝામનું ટાઇમટેબલ મોકલવામાં આવ્યું હતું. એ વખતે ઑનલાઇનનો ઑપ્શન હતો જ નહીં. વળી દસમા ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી તો એ માટે કન્સેન્ટ પણ લેવાઈ નથી. અમે લોકોએ આ વિશે રજૂઆત કરીને ઑનલાઇન ઑપ્શન માગ્યો હતો જે એક્ઝામના એક જ દિવસ પહેલાં આપવામાં આવ્યો હતો, પણ ઑનલાઇન એક્ઝામ માટે તેમણે મૌખિક એક્ઝામનું ટાઇમટેબલ ‍બદલી નાખ્યું છે અને મૌખિક પરીક્ષા ઑફલાઇન એક્ઝામ પત્યા બાદ રાખી છે. ઑફલાઇન એક્ઝામ લેવાની તેમને પરવાનગી છે કે નહીં એની અમને નથી ખબર, પણ જો બાળકોને સ્કૂલમાં મોકલવાં હોય તો વાલીઓની મંજૂરી હોવી જોઈએ એ માટેનો જીઆર સરકારે કાઢ્યો હતો, પણ ઑફલાઇન એક્ઝામ લેવાય કે નહીં એ બાબતે કોઈ જાણ નથી.’

દસમા ધોરણની એક વિદ્યાર્થિનીની માતાએ કહ્યું હતું કે ‘અમને તો કમ્પલ્સરી ઑફલાઇન એક્ઝામ આપવાનું જ જણાવાયું છે. ૧૨ ફેબ્રુઆરીએ ફેરવેલ પાર્ટીમાં બાળકોને મોકલવા અમારી પાસે કન્સેન્ટ લીધી હતી, પણ એક્ઝામ માટે નથી લીધી. અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે. અન્ય સ્કૂલોમાં જતાં બાળકોના વાલીઓ પાસેથી પણ મેં જાણવાની કોશિશ કરી તો કોઈ સ્કૂલ ઑફલાઇન એક્ઝામ નથી લઈ રહી. એથી મેં ક્લાસટીચરને ફોન કરીને ઑનલાઇન ઑપ્શન આપવા જણાવ્યું તો તેમણે ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે દસમા ધોરણ માટે ઑનલાઇન ઑપ્શન નથી, તેમણે ઑફલાઇન એક્ઝામ જ આપવી પડશે. ગઈ કાલે પહેલું પેપર ઑફલાઇન આપ્યું. આઇસીએસઈ બોર્ડ દ્વારા ફાઇનલ એક્ઝામ વિશે હજી કોઈ જ જાણકારી નથી અપાઈ. અમારે અમારાં બાળકોના ભવિષ્યનો વિચાર કરીને ચૂપ રહેવું પડે છે. અમારે તો હવે બે જ મહિના કાઢવાના છે.’

સ્કૂલનું શું કહેવું છે?

આ બાબતે કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ રેશમા હેગડેનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વાલીઓની સંમતિ લઈને ઑફલાઇન પરીક્ષા લઈ રહ્યા છીએ અને એ માટે તમામ કોવિડ પ્રોટોકૉલને ફૉલો કરીએ છીએ. એક ક્લાસમાં અમે બાર વિદ્યાર્થીઓને જ બેસાડીએ છીએ.’

તમારી પાસે ઑફલાઇન પરીક્ષા લેવા માટે સરકારની પરવાનગી છે? આ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે તેમણે ફરી એક વાર અમે વાલીઓની સંમતિ લીધી હોવાનું કહ્યું હતું.

એજ્યુકેશન મિનિસ્ટરનું શું કહેવું છે?

આ મુદ્દા પર રાજ્યનાં એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતની મારી પાસે કોઈ જાણકારી નથી. હું જાણકારી લઈને તમારો સંપર્ક કરીશ.’

mumbai mumbai news kandivli