કાંદિવલીના ગુજરાતી ડૉક્ટરના ઘરમાંથી ૩.૫૦ લાખ રૂપિયાની ચોરી

03 July, 2025 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમારી ટીમે ઘટનાસ્થળે જઈ ઘરની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશીને ઘરનું લૉક અંદરથી ખોલ્યું હતું. વધુ તપાસ કરતાં ઘરના બેડરૂમના કબાટમાંથી સાડાત્રણ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાની માહિતી મળી હતી

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-વેસ્ટમાં એસ.વી.પી. સ્કૂલની નજીક આવેલી સુંદરનિકેતન સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના ડૉ. ચેતન શાહના ખાલી ઘરને ટાર્ગેટ કરીને ચોરો ૩.૫૦ લાખ રૂપિયાની રોકડ તફડાવી ગયા હોવાની ફરિયાદ મંગળવારે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. ડૉ. ચેતનભાઈ અને તેમનો પરિવાર ઘાટકોપરના નાઇન્ટી ફીટ રોડ પર એક ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા એ દરમ્યાન ચોરોએ મેઇન ડૉરનું લૉક તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસ કોઈ જાણભેદુએ ચોરીને અંજામ આપ્યો હોય એવી શંકાના આધારે તપાસ કરી રહી છે.

કાંદિવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શાહપરિવાર સોમવારે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ ઘરને લૉક કરીને ઘાટકોપરના એક કાર્યક્રમમાં ગયો હતો. દરમ્યાન સાડાદસ વાગ્યાની આસપાસ તેમની બાજુમાં રહેતી એક વ્યક્તિએ ચેતનભાઈના ઘરનું લૉક ઘરની બહાર જમીન પર પડેલું જોયું હતું. એની જાણ તેણે ચેતનભાઈને કરી હતી એટલે તેઓ ઘરે આવ્યા હતા. એ સમયે ચોરોએ ઘરનો દરવાજો અંદરથી લૉક કરી દીધો હતો એટલે દરવાજો ખૂલ્યો નહોતો એટલે આ ઘટનાની જાણ અમને કરવામાં આવી હતી. અમારી ટીમે ઘટનાસ્થળે જઈ ઘરની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશીને ઘરનું લૉક અંદરથી ખોલ્યું હતું. વધુ તપાસ કરતાં ઘરના બેડરૂમના કબાટમાંથી સાડાત્રણ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાની માહિતી મળી હતી. આ કેસમાં અમે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ચોરીમાં કોઈ જાણભેદુ હોય એવી પૂરેપૂરી શક્યતા સામે આવી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

kandivli crime news mumbai crime news mumbai police news mumbai mumbai news