કાંદિવલીના લિન્ક રોડ પર ફરી ગટરના કામને કારણે હાલાકી

02 November, 2012 07:11 AM IST  | 

કાંદિવલીના લિન્ક રોડ પર ફરી ગટરના કામને કારણે હાલાકી



કાંદિવલી-વેસ્ટમાં લિન્ક રોડ પર કલ્પતરુ ગાર્ડન સામેના ચાર રસ્તા પાસે ગટરની ચેમ્બર ફરીથી બનાવવાનું કામ શરૂ થયું છે. એને લીધે આ વિસ્તારથી પસાર થતા લોકોને પીક- અવર્સમાં ટ્રાફિકની સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે.

લિન્ક રોડ થઈને રોજ અંધેરી-વેસ્ટમાં ઑફિસ જતા હેમલ શાહે કહ્યું હતું કે ‘આ ચાર રસ્તા પાસે અવારનવાર સમસ્યા ઊભી થાય છે. પહેલાં અહીં વગર વરસાદે ગટરની ચેમ્બરમાંથી ગંદું પાણી રસ્તા પર વહેતું હતું. એ બંધ થયું ત્યાર પછી તૂટી ગયેલા ગટરના ઢાંકણાને સરખું કરવા માટે ચેમ્બરનું કામ કરી પતરાં લગાવ્યાં હતાં જેથી વાહનવ્યવહારમાં તકલીફ થતી હતી. હજી એક કામ પૂરું થયે માંડ મહિના જેવું વીત્યું હશે કે ફરીથી એ જ ગટરનું ઢાંકણું સરખું કરવા ચેમ્બર ખોલી નાખી છે. એથી રોજ ટ્રાફિકની સમસ્યાથી હેરાન થવું પડે છે.’

આ રોડ પરથી પસાર થતા યોગેશ પંડ્યાએ કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં જ અહીં ગટરનું કામ કર્યું હતું. પરંતુ એ ગટરનું ઢાંકણું ગણતરીના દિવસોમાં જ ફરીથી બેસી ગયું. મારો તો આ રોજનો રસ્તો છે. આ જ રોડ પર આગળ નવા બનતા ટાવર શિવસૃષ્ટિ સામે પણ ગટરનું ઢાંકણું તૂટેલું પડ્યું છે. ત્યાં તો એને રિપેર કરવાનું કામ શરૂ થયું નથી. જોકે આ રસ્તા પર સતત વાહનોની અવરજવર રહે છે. આથી ત્યાં રાતના સમયે ઝડપથી કામ કરાવવું જોઈએ. જો ગટરનું ઢાંકણું પહેલી જ વખત યોગ્ય રીતે બેસાડવામાં આવ્યું હોત તો કરેલા કામને ફરીથી કરવા માટે સમય ન બગાડવો પડે તેમ જ લોકોને પીક-અવર્સમાં ટ્રાફિકને કારણે વધુ હેરાન ન થવું પડે.’

રોડ પર ગટરનું કામ કરાવતા કૉન્ટ્રૅક્ટરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગટરનું ઢાંકણું બેસાડ્યા પછી એનું સિમેન્ટ-કૉન્ક્રીટ સુકાઈ જાય એ માટે અઠવાડિયા જેટલો સમય જોઈએ. હજી થોડા દિવસ પહેલાં જ લિન્ક રોડની ગટરનું નવું ઢાંકણું બેસાડી ચેમ્બર બનાવી હતી, પરંતુ એને યોગ્ય રીતે સુકાવા દીધું નહોતું. આ રોડ પર સતત ટ્રાફિક હોવાને કારણે કિનારે લગાવેલાં પતરાં હટાવી લીધાં હતાં. કાચા કામ પર વેહિકલ પસાર થતાં એ ફરીથી બેસી ગયું હતું. હવે ફરીથી ગટરની ચેમ્બર બનાવી રહ્યા છીએ. અઠવાડિયામાં એ યોગ્ય રીતે બનીને તૈયાર થઈ જશે.’