ચાર મહિનામાં બંધ થશે કાંદિવલીનો કિલર ફાટક

21 October, 2011 07:30 PM IST  | 

ચાર મહિનામાં બંધ થશે કાંદિવલીનો કિલર ફાટક

 

અંકિતા શાહ

આ ફૂટઓવર બ્રિજના કામને પ્રાયોરિટી બેઝિસ પર લઈને એનું બાંધકામ બુધવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. વેહિકલ માટે ફાટક બંધ કરવામાં આવ્યા બાદ હવે થોડા મહિનાઓમાં જ પ્રવાસીઓ માટે આ કિલર ફાટક બંધ કરી દેવામાં આવશે.

કાંદિવલી ફાટક પર જે નવો ફૂટઓવર બ્રિજ બાંધવામાં આવશે એનો અંદાજે એક કરોડ ૩૯ લાખ રૂપિયા ખર્ચ આવશે. આ ફૂટઓવર બ્રિજ ૫૬ મીટર લાંબો અને ૬.૧૦ મીટર રહેશે. આ ફૂટઓવર બ્રિજ ઈસ્ટથી વેસ્ટને જોડશે. આ ઉપરાંત કાંદિવલી રેલવે-સ્ટેશન પાસેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ જતા સ્કાયવૉકને પણ જોડવામાં આવશે.

કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડના શૉપર્સ સ્ટૉપ પાસેથી કાંદિવલી-ઈસ્ટમાં જતો ક્રાન્તિકારી રાજગુરુ ફ્લાયઓવર ૨૪ નવેમ્બર ૨૦૦૮ની સાલમાં ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ કાંદિવલી રેલવેફાટકને વેહિકલની અવરજવર માટે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ફાટક પાસેથી ટ્રૅક ક્રૉસ કરીને પ્લૅટફૉર્મ પર જવા અથવા તો ઈસ્ટ કે વેસ્ટમાં અવરજવર કરવા માટે એનો ઉપયોગ કરતા હતા. આને કારણે ઍક્સિડન્ટ પણ થતા હતા.

કાંદિવલી રેલવે-સ્ટેશનના ચર્ચગેટ તરફના ફાટક પાસે ફૂટઓવર બ્રિજની વ્યવસ્થા હોવા છતાંય પ્રવાસીઓ પુલનો ઉપયોગ કરતા નથી અને પાટા ઓળંગતા હોય છે. ફૂટઓવર બ્રિજ બંધાઈ ગયા પછી ફાટકને પૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે જેથી કાંદિવલીના કિલર ફાટક પર રોજેરોજ ઍક્સિડન્ટનો જે સિલસિલો ચાલતો હતો એની પર અંકુશ આવશે. કાંદિવલી ફાટક પાસેનો હાલનો ફૂટઓવર બ્રિજ સાંકડો હોવાને કારણે પીક-અવર્સમાં લોકોએ ખૂબ જ ધક્કામુક્કીનો સામનો કરવો પડતો હોવાથી અને પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં લઈને રેલવેએ ફાટક લોકોની અવરજવર માટે ખુલ્લું રાખ્યું હતું.