કપોળ વિદ્યાનિધિ સ્કૂલમાં ‘અઝાન’ના મુદ્દે થયેલી ફરિયાદમાં... કાંદિવલી પોલીસે હજી સુધી એફઆઇઆર નોંધ્યો જ નથી

30 June, 2023 12:00 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

પોલીસનું કહેવું છે કે અમે અમારા લીગલ ડિપાર્ટમેન્ટની ઍડ્વાઇઝ માગી છે અને એ જે કહેશે એના આધારે એફઆઇઆર કરવો કે નહીં એનો નિર્ણય લઈશું

ફાઇલ તસવીર

કાંદિવલીના મહાવીરનગરમાં આવેલી સીબીએસઈ બોર્ડની કપોળ વિદ્યાનિધિ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં પ્રાર્થના વખતે અઝાન વગાડવામાં આવતાં થયેલા વિવાદમાં વાલીઓ રોષે ભરાયા હતા અને તેમણે આ સંદર્ભે સ્કૂલમાં ધસી જઈને દેખાવો પણ કર્યા હતા તથા તે ટીચર અને પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. એટલું જ નહીં, આ બાબતે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે કાંદિવલી પોલીસે આ સંદર્ભે હજી સુધી એફઆઇઆર નોંધ્યો નથી. પોલીસનું કહેવું છે કે અમે આ મુદ્દે કાયદાકીય જોગવાઈ તપાસવા એને અમારા કાયદાને લગતા ડિપાર્ટમેન્ટને મોકલીને એમનું ગાઇડન્સ લઈશું અને ત્યાર બાદ એફઆઇઆર લેવો કે નહીં એ નિર્ણય લઈશું.  

કપોળ વિદ્યાનિધિ​ સ્કૂલમાં શુક્રવાર, ૧૬ જૂને પ્રાર્થના બાદ ‘અઝાન’ વગાડવામાં આવતાં વાલીઓ ચોંકી ઊઠ્યા હતા અને એ બાબતે હોબાળો મચી ગયો હતો. વાલીઓએ એનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ‘૯૫ ટકા કરતાં વધુ હિન્દુ સ્ટુડન્ટ્સ ધરાવતી અને સંસ્કૃત શીખવતી સ્કૂલમાં અમારાં બાળકોને આપણા ધર્મના સારા સંસ્કાર મળે એ માટે અમે અહીં મૂક્યાં છે. બાકી કૉન્વેન્ટ સ્કૂલો તો ઘણીબધી છે. વર્ષોથી બાળકો આપણી પ્રાર્થના કરતાં આવ્યાં છે તો પછી આવું કરવાની જરૂર જ શી છે? આજે અઝાન વગાડી છે, થોડા વખત પછી ચટાઈ પાથરશે અને ત્યાર બાદ બુરખો પહેરવા કહેવાશે. શું આપણે આ ચલાવી લેવાનું?’  

વાલીઓનો આક્રોશ જોઈને સ્કૂલ મૅનેજમેન્ટ દ્વારા પોલીસ બોલાવાઈ હતી અને એની સામે જ વાલીઓએ તેમની રજૂઆત કરીને અઝાન લગાડનાર ટીચર સામે પગલાં લેવાની અને સાથે જો પ્રિન્સિપાલની પરવાનગી હોય તો જ તેણે આવું પગલું લીધું હોય એ દેખીતી વાત છે એટલે ​પ્રિન્સિપાલ સામે પણ પગલાં લેવા માગ કરી હતી. આ સંદર્ભે ત્યાર બાદ રાજકીય પક્ષો શિવસેના, એમએનએસ અને બીજેપીના લોકપ્રતિનિધિઓએ પણ સ્કૂલમાં જઈને તેમના આ વલણનો વિરોધ કર્યો હતો અને એ બદલ પોલીસમાં પણ ફરિયાદ કરી હતી.

કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ બાબાજી વિશ્વાસ રાવે કહ્યું હતું કે ‘અમને આ બાબતે ફરિયાદ મળી છે. અમે લાગતા-વળગતા લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધ્યાં છે. સ્કૂલે તે ટીચરને હાલ સસ્પેન્ડ કરી દીધી છે. અમે હજી પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરી નથી. આ બાબતે અમે અમારા લીગલ ડિપાર્ટમેન્ટની ઍડ્વાઇઝ માગી છે. એ જે જણાવશે એના આધારે એફઆઇઆર કરવો કે નહીં એનો નિર્ણય લેવાશે. હાલ પણ એ કેસમાં અમારી તપાસ ચાલુ છે.’

kandivli mumbai police mumbai mumbai news bakulesh trivedi