પ્લીઝ મને ઘરે લઈ જાઓ : કાંદિવલીની અપહરણ થયેલી કિશોરીની કાકલૂદી

15 November, 2011 10:34 AM IST  | 

પ્લીઝ મને ઘરે લઈ જાઓ : કાંદિવલીની અપહરણ થયેલી કિશોરીની કાકલૂદી

 

 

(શિવા દેવનાથ)

મુંબઈ, તા. ૧૫

પોલીસના જણાવ્યા મુજબ ૨૪ વર્ષનો મનીષ ખાનુલકર કિશોરીના રૂપિયાથી જ એક મહિનો મુંબઈથી ગોવાની વિવિધ હોટેલોમાં રોકાયો હતો. ભોગ બનનાર અનાથ યુવતી પોતાની દાદી તથા કાકા સાથે કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં છેલ્લાં બે વર્ષથી રહેતી હતી. કિશોરી પોતાના કાકાને તેમના એસ્ટેટ એજન્સીના કામમાં મદદ કરતી હતી. બેકાર મનીષ ઘણા વખતથી તે કિશોરીને હેરાનપરેશાન કરતો હતો. ૯ ઑક્ટોબર મનીષે તેની છેડતી કરતાં છોકરીએ તેને લાફો માર્યો હતો. પરિણામે ૧૧ ઑક્ટોબરે મનીષે પોતાના મિત્ર ૨૬ વર્ષના કલ્પેશ પરમારની મદદથી કિશોરીનું અપહરણ કર્યું હતું.

છોકરીના કાકાએ મનીષ પણ ગુમ હોવાની ખબર પડતાં ૩ નવેમ્બરે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. મનીષે શરૂઆતમાં દહિસર હાઇવે પરની એક હોટેલમાં કિશોરી પર બળાત્કાર કયોર્ હતો અને ત્યાર બાદ તેની પાસે રહેલા ૧ લાખ ૬૫ હજારના ચેકને વટાવી એ રકમ વડે તે શિર્ડી, કોકણ, પુણે તથા ગોવાની વિવિધ હોટેલોમાં ફર્યો હતો. પોલીસે મનીષે જે બૅન્કમાં ચેક વટાવ્યો હતો એમાંથી તેનો મોબાઇલ નંબર મેળવીને અન્જુના બીચ પરથી મનીષની ધરપકડ કરી હતી. છોકરીના જણાવ્યા મુજબ ગયા વર્ષે પણ મનીષે તેના પર બળાત્કાર કર્યો હતો, પરંતુ એ વિશે કોઈ પોલીસ-ફરિયાદ નહોતી નોંધાવવામાં આવી.