ખંડણી માટે કરેલા નંબર પરથી પ્રેમિકાને ફોન કરવાની ભૂલે કિડનૅપર્સને પકડાવ્યો

21 October, 2012 04:57 AM IST  | 

ખંડણી માટે કરેલા નંબર પરથી પ્રેમિકાને ફોન કરવાની ભૂલે કિડનૅપર્સને પકડાવ્યો



કાંદિવલી (વેસ્ટ)ના ગાંધીનગર વિસ્તારમાં રહેતા સાત વર્ષના બાળકનું અપહરણ કરનારા બાવીસ વર્ષના સઈદઅલી ચૌધરીની ગઈ કાલે અને તેની ગર્લફ્રેન્ડ બાવીસ વર્ષની નફીસા શેખની શુક્રવારે મોડી રાતે કાંદિવલી પોલીસે ધરપકડ કરી હતી. બાળકનું અપહરણ કર્યા પછી સઈદઅલીએ પાંચ લાખ રૂપિયાની ખંડણી માગવા જે નંબર પરથી બાળકના પિતાને ફોન કર્યો હતો એ જ નંબરથી ગર્લફ્રેન્ડને ફોન કરવાની ભૂલ કરતાં પકડાઈ ગયો હતો. ગઈ કાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં તેમને પોલીસકસ્ટડી આપવામાં આવી હતી. કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર હરેશ્વર પીંપળેએ કહ્યું હતું કે ‘કાંદિવલી (વેસ્ટ)ના ગાંધીનગર વિસ્તારમાં રહેતો સાત વર્ષનો અજય પ્રજાપતિ શુક્રવારે રાત્રે સાડાઆઠ વાગ્યે રાસ રમવા ગયો ત્યારે તેના પાડોશમાં રહેતો સઈદઅલી તેનું અપહરણ કરીને તેને ગર્લફ્રેન્ડ નફીસાના ઘરે લઈ ગયો હતો. સઈદઅલીનાં લગ્ન થઈ ગયાં છે અને ૧૫ દિવસ પહેલાં જ તેની પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો. નફીસા સાથે સઈદઅલીનું છેલ્લાં ચાર વર્ષથી અફેર હતું. સઈદઅલીએ તેની ગર્લફ્રેન્ડને કહ્યું કે અજય મારા પાડોશમાં રહે છે અને તેનાં માતા-પિતા ગામમાં ગયાં હોવાથી તેઓ તેની દેખભાળ રાખવા મારી પાસે છોડી ગયાં છે એટલે હું તેને તારી પાસે લાવ્યો છું. અપહરણ થયાના લગભગ એક કલાક પછી સઈદઅલીએ પાંચ લાખ રૂપિયાની ખંડણી માગવા રાહુલના પિતાને ફોન કર્યો હતો. એમાં ‘પુલિસ કો મત બતાના, વરના અંજામ બૂરા હોગા’ એવી ધમકી આપીને તેણે ફોન કાપી નાખ્યો હતો. ત્યાર પછી તેણે તરત તેની ગર્લફ્રેન્ડ નફીસાને ફોન કર્યો હતો. અજયના પિતાએ પોલીસ-સ્ટેશનમાં તરત જ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ખંડણી માટે જે નંબર પરથી ફોન કર્યો હતો એ નંબર ટ્રેસ કરતાં માહિતી મળી કે આ નંબર ૧૦ દિવસ પહેલાં જ બનાવટી ડૉક્યુમેન્ટ્સથી ખરીદવામાં આવ્યો હતો. આરોપીએ ખંડણીનો ફોન કર્યા પછી પ્રેમિકાને ફોન કર્યો હતો. પોલીસે આ નંબર મળતાં ત્યાં ફોન કરીને બાળક વિશે પૂછતાં તેણે ફોન કાપી નાખ્યો હતો અને ત્યાર પછી સ્વિચ-ઑફ કરી દીધો હતો. પોલીસને આ નંબરનું સરનામું શોધતાં માહિતી મળી કે એ દહિસર (વેસ્ટ)ના ગણપત પાટીલનગરની ગલી-નંબર આઠમાં રહેતી નફીસા શેખના નામે હતો. પોલીસે રાત્રે જ તેના ઘરે પહોંચી નફીસાની ધરપકડ કરી હતી અને અજયને સહીસલામત તેના પરિવારજનોને સોંપી દીધો હતો. કાલે સવારે સવાઆઠ વાગ્યે પોલીસે છટકું ગોઠવીને સઈદઅલીની પણ ધરપકડ કરી હતી.’