લગ્નના રિસેપ્શનમાંથી થઈ ચાંદલાના અઢી લાખ રૂપિયા ભરેલી બૅગની ચોરી

31 December, 2012 05:37 AM IST  | 

લગ્નના રિસેપ્શનમાંથી થઈ ચાંદલાના અઢી લાખ રૂપિયા ભરેલી બૅગની ચોરી



લગ્નમાં આવેલા બારેક વર્ષના લાગતા એક અજાણ્યા કિશોરે દુલ્હનને મળેલી પ્રેઝન્ટ અને ચાંદલાથી ભરેલી આશરે અઢી લાખ રૂપિયા ભરેલી બૅગ ચોરી હોવાનો કિસ્સો શનિવારે રાત્રે કાંદિવલી (ઈસ્ટ)માં ઠાકુર કૉમ્પ્લેક્સમાં આવેલી હોટેલ ઍવન્યુના હૉલમાં બન્યો હતો. આ હૉલમાં યહૂદી ધર્મ પાળતી જુલી રાજની દીકરીનાં મૅરેજ યોજાયાં હતાં. સ્ટેજ પર રિસેપ્શન ચાલી રહ્યું હતું એ વખતે આ ચોરી થઈ હતી. જોકે હૉલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં આ કિશોરનો ચહેરો કેદ થઈ જતાં ગઈ કાલે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં પોલીસ આ કિશોરને શોધી રહી છે.

સમતાનગર પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘ચોરી કરનારા આ કિશોરે વાઇટ શર્ટ અને જૅકેટ પહેરી રાખ્યું હતું. ચોરી થયાના અડધો કલાક પહેલાં જ તે હૉલમાં આવ્યો હતો. આવ્યા બાદ આ કિશોર લગ્નમાં સૌથી પહેલાં જમ્યો હતો અને કોઈને શંકા ન જાય એ રીતે હૉલમાં ફરી રહ્યો હતો તથા દુલ્હનને લોકોએ ભેટરૂપે આપેલા ચાંદલાથી ભરેલાં પરબીડિયાં ક્યાં મૂકવામાં આવી રહ્યાં છે એની તપાસ કરી હતી.’

આ કિશોરે આખરે સ્ટેજ પર મૂકેલી ચાંદલાથી ભરેલી રૂપિયાની બૅગ શોધી કાઢી હતી. શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ સ્ટેજ પર નવદંપતી મહેમાનો સાથે ફોટો પડાવી રહ્યું હતું એ વખતે આ કિશોર સ્ટેજ સુધી પહોંચી ગયો હતો અને હળવેકથી બૅગ લઈને નાસી ગયો હતો. જોકે દુલ્હનને આ ચોરીની જાણ નહોતી થઈ, પણ દુલ્હનની માતા જુલી આ બૅગમાં અન્ય ચાંદલાની રકમ મૂકવા આવી ત્યારે બૅગ ત્યાં ન દેખાતાં તેમણે આખા હૉલમાં તપાસ કરી હતી. ક્યાંયથી બૅગ ન મળતાં આખરે તેમણે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

લગ્નના હૉલમાં મોડી રાતે પોલીસ પહોંચી ત્યારે ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં આ કિશોરનો કેદ થયેલો ચહેરો જોવા મળ્યો હતો. હાલમાં પોલીસ એ ફુટેજની મદદથી કિશોરને શોધી રહી છે. પોલીસને શંકા છે કે આ કિશોરની આખી ગૅન્ગ હોવી જોઈએ અને તેઓ ફક્ત લગ્નમાં જ આ રીતે ચોરી કરતા હશે. અગાઉ પણ આ રીતે ઘણાં લગ્નોમાં ચોરી થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન