12 July, 2023 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલીના મહાવીરનગરના સંકેત બિલ્ડિંગમાં ચાલી રહેલા ડબ્બા ટ્રેડિંગના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની કાંદિવલી યુનિટ-૧૧ની ટીમે વધુ એક આરોપીની સુરતથી ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા ૬ પર પહોંચી છે.
ડબ્બા ટ્રેડિંગમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૧ના કાંદિવલીના ઑફિસરોએ પહેલાં જતીન છેડાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં ધીમંત ગાંધીનું નામ બહાર આવ્યું હતું. ૪,૬૭૨ કરોડ રૂપિયાના આ કૌભાંડમાં ૧૦ કરોડથી વધારે રૂપિયાની ટૅક્સચોરી કરવામાં આવી હોવાનો આરોપ છે.
લેટેસ્ટ ધરપકડ બદલ માહિતી આપતાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિનાયક ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મળેલી જાણકારીના આધારે અમે સુરતથી ૫૦ વર્ષના ઉપેન ભગુભાઈ ખેણીની ધરપકડ કરી હતી. તેને પણ આ મૂડી ઍપમાં નવા ઇન્વેસ્ટરો લાવી આપવા બદલ કમિશન અને પર્સન્ટેજ મળતાં હતાં. અમે જોકે હજી આ રૅકેટના કિંગપિનની શોધ ચલાવી રહ્યા છીએ. અત્યાર સુધી જે આરોપીઓ પકડાયા છે તેઓ વચેટિયા અને નાના માણસો છે. રૅકેટ ચલાવનાર મૂળ કિંગપિન હજી અમારી ધરપકડથી બચવા નાસતો ફરી રહ્યો છે. અમે તેને પકડી લેવા પ્રયાસ કરી રહ્યા છીએ.’