મદદના ધોધ વચ્ચે સાંગલીના સ્વમાની કચ્છીઓએ કરી અપીલ સહાય નહીં, લોન આપો

17 August, 2019 07:36 AM IST  |  | ખુશાલ નાગડા

મદદના ધોધ વચ્ચે સાંગલીના સ્વમાની કચ્છીઓએ કરી અપીલ સહાય નહીં, લોન આપો

મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલા વિનાશક પૂરે ત્યાનું જનજીવન અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે જેને કારણે અનેક લોકોએ પોતાનાં ઘર અને દુકાનો જેવી અસ્કયામત ગુમાવવાનો વારો આવ્યો છે. સાંગલીની આ અતિવૃષ્ટિને લીધે કચ્છી વીસા ઓસવાલ (ક.વી.ઓ.) સમાજના ત્યાં રહેતા લગભગ ૧૧૦ જેટલા પરિવારોએ ઘર અને દુકાનોમાં પાણી ભરાતાં આ કુદરતી આફતનો ભારે સામનો કરવો પડ્યો છે. જોકે આ કપરી પરિસ્થિતિમાં પણ તેમણે પોતાનું સ્વમાન જાળવી રાખીને પોતાના સમાજ પાસેથી સહાય ન લેતાં વગરવ્યાજે લોન આપવાની વિનંતી કરી છે.

સાંગલી ક.વી.ઓ. જૈન સમાજના રાજેશ મામણિયાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવ્યું કે ‘સાંગલીનાં પૂરમાં અમારા સમાજના ૧૧૦ જેટલા પરિવારોને અસર પહોંચી છે અને આ વાતની જાણ અમને વિડિયો દ્વારા મુંબઈના ક.વી.ઓ. સમાજને કરી છે. અમે એમાં તેમને વિનંતી કરી છે કે અમને સહાય નહીં, વગર વ્યાજે લોન આપો. કેમ કે જો અમારા માટે લોન હશે તો અમે લોન ચૂકવવાની ચિંતામાં સારો ધંધો કરી શકીશું. સહાય લઈશું તો એ આવતી કાલે ભૂલી જઈશું. લોન આપી અમને સ્વમાનભેર પગભર કરવામાં મદદ કરો.’

માત્ર પોતાના સમાજ સુધી મર્યાદિત ન રહેતાં ક.વી.ઓ. સમાજે અન્ય સમાજના લોકો માટે પણ પોતાનું કચ્છી ભવન ખુલ્લું મૂકી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં લગભગ ૫૦૦થી ૬૦૦ જેટલી વ્યક્તિઓને બે ટાઇમ ચા-પાણી અને જમવાનું ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પોતાના સમાજના સાંગલીના ભાઈઓને મદદ કરવા માટે ૧૪ ઑગસ્ટે મુંબઈ ક.વી.ઓ. સમાજની મીટિંગ પણ યોજાઈ હતી જેમાં પૂરથી અસરગ્રસ્ત થનારાઓને મદદ કરવા જોઈતું ભંડોળ અને અન્ય જીવનાશ્યક વસ્તુઓ એકઠી કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જાણો આખરે કેમ પાકિસ્તાનમાં ઈન્ટરનેટ પર ખૂબ સર્ચ થયું PM મોદીનું ભાષણ

વધુમાં મુંબઈ ક.વી.ઓ. દેરાવાસી જૈન મહાજનના સેક્રેટરી સી. એ. અશોક છેડાએ જણાવ્યું હતું કે ‘સમાજના જે લોકોની દુકાનને પૂરને કારણે નુકસાન થયું છે તેમને સ્ટ્રક્ચર એન્જિનિયર દ્વારા મફતમાં સલાહ આપવામાં આવશે અને રોગચાળા તેમ જ ગંદકી સામે રક્ષણ મળી રહે એ માટે ડૉક્ટરોની એક ટીમને મુંબઈથી સાંગલી મોકલવામાં આવશે.’ માનવતાના આ કાર્યમાં મુંબઈ ક.વી.ઓ. દેરાવાસી જૈન મહાજન અને મુંબઈ ક.વી.ઓ સ્થાનકવાસી જૈન મહાજને પણ પોતાનું યોગદાન આપ્યું છે.

gujarati mid-day