તમારા મહત્વના દસ્તાવેજો કોઈને આપતાં પહેલાં ચેતજો

29 November, 2012 03:17 AM IST  | 

તમારા મહત્વના દસ્તાવેજો કોઈને આપતાં પહેલાં ચેતજો




સપના દેસાઈ

કલ્યાણ, તા. ૨૯

મોબાઇલ ફોનના સિમ-કાર્ડ માટે અથવા તો બૅન્કમાં અકાઉન્ટ ખોલાવવા કે ક્રેડિટ કાર્ડ માટે કોઈ અજાણી વ્યક્તિના હાથમાં તમારા પૅન-કાર્ડ અને રૅશનિંગ કાર્ડ જેવા મહત્વના ગણાતા દસ્તાવેજોની ઝેરોક્સ આપતાં પહેલાં ૧૦૦ વાર વિચાર કરજો, કારણ કે તમારા આ દસ્તાવેજોને આધારે તમારા નામે બનાવટી બૅન્ક-અકાઉન્ટ ખોલીને અસામાજિક તત્વો એનો ભરપૂર લાભ ઉઠાવી શકે એવી શક્યતા છે. આવો જ કંઈક કડવો અનુભવ કલ્યાણ રહેતા ૪૨ વર્ષના શ્રીકાંત રાવ નામના યુવકને તાજેતરમાં થયો હતો.

કલ્યાણ (વેસ્ટ)માં કાશી ચાલમાં રહેતા અને સામાન્ય નોકરી કરતા શ્રીકાંત રાવના નામે તેની જાણ બહાર મોટી-મોટી ચારથી પાંચ બૅન્કમાં સેવિંગ અને કરન્ટ અકાઉન્ટ ખોલીને એમાં કરોડો રૂપિયાનો વ્યવહાર થયો હોવાનું બહાર આવતાં તે ચોંકી ઊઠ્યો હતો. શ્રીકાંતે તરત આ બાબતે કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પ્રાથમિક તપાસ દરમ્યાન ઓરિજિનલ દસ્તાવેજોને આધારે જે-તે વ્યક્તિને નામે બૅન્ક-અકાઉન્ટ ખોલીને એમાં હવાલા મારફત કરોડો રૂપિયાનો વ્યવહાર થયો હોવાનું ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું. શ્રીકાંતની ફરિયાદને આધારે ચારથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે અત્યારે તમામ લોકો જામીન પર બહાર છે આ કેસમાં મોટાં માથાં પણ સંડોવાયેલાં હોવાની પોલીસને શંકા હોવાથી તપાસ એ દિશામાં ચાલી રહી છે.

કેવી રીતે થઈ?

અત્યારે આ કેસની તપાસ મહાત્મા ફુલે પોલીસ કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ભારત નિંબાળકરના નેતૃત્વમાં થઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કેસની વિગતો આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આઠેક મહિના પહેલાં ડોમ્બિવલી રહેતો સંકલ્પ પવાર નામનો યુવક ઓછામાં ઓછું બિલ આવે એવું વોડાફોનનું સિમ કાર્ડ કાઢી આપવાનું કહીને શ્રીકાંતના ફોટા સહિત સિગ્નેચર કરેલાં તેનાં પૅન કાર્ડ, રૅશનિંગ કાર્ડ અને લાઇટ-બિલની ઝેરોક્સ લઈ ગયો હતો અને પછી અચાનક ગાયબ થઈ ગયો હતો. એ વાત શ્રીકાંત જોકે ભૂલી ગયો હતો, પણ ૧૭ ઑક્ટોબરે તેના ઘરે ધોબી તળાવમાં મહાત્મા ગાંધી રોડ પર મેટ્રો હાઉસ પાસે આવેલી યસ બૅન્કનું મેસર્સ વાઇટ ફિધર ટ્રેડિંગ કંપનીના નામ સાથે શ્રીકાંત રાવના નામે ૨૬,૩૭૨.૬૭ રૂપિયાના બૅલેન્સવાળું એક બૅન્ક-સ્ટેટમેન્ટ તેના ઘરે આવતાં તેને કંઈક ગરબડ થયાની શંકા ગઈ હતી.’

કેવી રીતે થયો વ્યવહાર

કેસની વધુ વિગતો આપતાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર એ. પાટીલે કહ્યું હતું કે ‘ગભરાઈ ગયેલા શ્રીકાંતે બૅન્કના રિલેશનશિપ મૅનેજર સાથે વાત કરી હતી, પણ તેની વાતમાં ગરબડ લાગતાં તેણે તરત પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમ્યાન સંકલ્પ પવારની ધરપકડ કરી હતી, જેણે શ્રીકાંતના તમામ દસ્તાવેજો તેની પાસેથી લીધા હતા. તેની ધરપકડ બાદ તેણે આપેલી માહિતીના આધારે આ કેસમાં અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોની પૂછપરછ કરતાં શ્રીકાંતના દસ્તાવેજોને આધારે એચડીએફસી અને આઇડીબીઆઇ સહિત અન્ય બૅન્કમાં તેના નામનાં અકાઉન્ટ ખોલવામાં આવ્યાં હોવાનું અને એમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું તેમે કબૂલ્યું હતું.’

તેમણે કહ્યું હતું કે ‘બૅન્કમાં કામ કરનારી કોઈક વ્યક્તિ આ ટોળકી સાથે સંકળાયેલી હોવી જોઈએ એવું અમારું માનવું છે, કારણ કે શ્રીકાંતના નામના બૅન્ક-અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં હતાં અને એનાં સ્ટેટમેન્ટ તેના ઘરના ઍડ્રેસ પર ન આવતાં આ ટોળકી બારોબાર મેળવી લેતી હતી એટલે આઠ-આઠ મહિનાથી શ્રીકાંતને એનો અંદાજ નહોતો આવ્યો. આ લોકોએ શ્રીકાંતને નામે ઇન્કમ-ટૅક્સ, સેલ્સ-ટૅક્સ વગેરેના નંબર સુધ્ધાં મેળવ્યા હતા. એટલું જ નહીં, કોઈને શંકા ન જાય એ માટે બનાવટી એક્સપોર્ટ-ઇમ્ર્પોટ કંપનીના નામે તેઓ લાખો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન બૅન્કમાં બતાવતા હતા. જોકે અત્યારે તો બધાં અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. તપાસ ચાલી રહી છે, એ દરમ્યાન વધુ વિગતો બહાર આવે એવી શક્યતા છે.’

એચડીએફસી = હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન

આઇડીબીઆઇ = ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા