29 January, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
RPFના હેડ કૉન્સ્ટેબલ શરદ ઘારટે કરેલી બચાવકામગીરી (ડાબે), બહાર કાઢ્યા બાદ રાજેન્દ્ર શુક્લા
કલ્યાણ રેલવે-સ્ટેશન પર શનિનારે સાંજે એક ભયાનક દુર્ઘટના છેલ્લી ક્ષણે ટળી હતી. રાજધાની એક્સપ્રેસમાંથી ઊતરતી વખતે ૬૦ વર્ષનો કૅન્સરગ્રસ્ત મુસાફર ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચે ફસાઈ ગયો હતો ત્યારે ફરજ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના હેડ કૉન્સ્ટેબલ શરદ ઘારટેની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી તેનું જીવન બચી ગયું હતું. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ હતી. પ્રજાસત્તાક દિવસે કલ્યાણ RPF સ્ટેશનમાં હેડ કૉન્સ્ટેબલ શરદ ઘારટેને ૧૦૦૧ રૂપિયાનું ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ ફરી એક વાર દર્શાવ્યું હતું કે RPFની સતર્કતા અને ફરજનિષ્ઠા મુસાફરોના જીવન માટે કેટલી મહત્ત્વની છે.
કલ્યાણ RPFના સિનિયર ઇન્સ્પેક્ટર રણજિત સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશના ઝાંસીનો રહેવાસી રાજેન્દ્ર શુક્લા પત્ની અને પુત્ર સાથે થાણેમાં ખાનગી હૉસ્પિટલમાં કૅન્સરની સારવાર માટે શનિવારે કલ્યાણ આવ્યો હતો. કલ્યાણ સ્ટેશન પર ઊતર્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે તેનો થોડો સામાન ટ્રેનમાં રહી ગયો છે એટલે ઉતાવળમાં તે ફરી ટ્રેનમાં ચડ્યો હતો, પરંતુ એ દરમ્યાન ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. સામાન લઈને ઊતરવાનો પ્રયાસ કરતાં રાજેન્દ્રનું સંતુલન બગડ્યું અને તે કોચ અને પ્લૅટફૉર્મ વચ્ચે ફસાઈ ગયો હતો.
દરમ્યાન ટ્રેન ઝડપ પકડી રહી હતી અને તે પ્લૅટફૉર્મ પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ગંભીર સ્થિતિ જોઈને ત્યાં ફરજ પર રહેલા RPFના હેડ કૉન્સ્ટેબલ શરદ ઘારટે તરત દોડી આવ્યા હતા અને સેકન્ડોમાં જ રાજેન્દ્રને ખેંચીને સુરક્ષિત રીતે બહાર
કાઢ્યો હતો.’