કલ્યાણના પોલીસને સારવાર બાદ ફરી કોરોનાનું સંક્રમણ થયું

23 May, 2020 10:43 AM IST  |  Kalyan | Gujarati Mid-day Correspondent

કલ્યાણના પોલીસને સારવાર બાદ ફરી કોરોનાનું સંક્રમણ થયું

સારવાર કરીને રજા આપ્યા બાદ કલ્યાણમાં પોલીસ-કર્મચારીને ફરી કોરોનાનું સંક્રમણ થયું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. રિકવરી બાદ ઘરે આવ્યા ત્યારે સ્વાગત કરવા ગયેલા લોકોમાં આનાથી ભયનું મોજું ફરી વળ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે આરોગ્ય વિભાગે પોલીસ-કર્મચારીને સારવાર માટે ફરી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

પાલિકાના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ૪૦ વર્ષના પોલીસ-અધિકારીનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યાના ૧૩ દિવસ બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે ડિસ્ચાર્જ થતાં સંબંધિત પોલીસ-કર્મચારી ઘરે ગયા હતા. કર્મચારીને બીજા સાત દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવાની સલાહ આપવામાં આવી હતી. દરમિયાન ઘરે પહોંચતાં પહેલાં પોલીસે પોતાના સંતોષ માટે ખાનગી લૅબમાંથી કોરોનાનું પરીક્ષણ કર્યું હતું. તેમના પડોશીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ બીજા દિવસે કોરોનાનું પરીક્ષણનું રિઝલ્ટ આવ્યું હતું એમાં ફરી તે કોરોના પૉઝિટિવ આવ્યા હતા.

રહેવાસીઓએ શિવસેનાના સ્થાનિક નગરસેવકનો સંપર્ક કર્યો હતો. તેમણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગનો સંપર્ક tકરીને આ પોલીસ-કર્મચારીને સારવાર માટે લઈ જવા વિનંતી કરી હતી. કેડીએમસીનાં આરોગ્ય અધિકારી પ્રતિભા પનપતિલે જણાવ્યું કે રહેવાસીઓની વિનંતીથી દરદીને ફરી એક વાર સારવાર માટે લઈ જવાયા હતા. જોકે નવા નિયમો અનુસાર જો સતત ૧૦ દિવસ સુધી ક્વૉરન્ટીનમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી તો તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે.

coronavirus covid19 mumbai mumbai police kalyan