22 August, 2025 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કલ્યાણ-પશ્ચિમના બારાવે ગામમાં ૧૭ ઑગસ્ટે સવારે કચરાના ઢગલામાંથી ગૂણીમાં લપેટાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. બાળકીને સ્થાનિક લોકોએ બચાવીને ખડકપાડા પોલીસને સુપરત કર્યા બાદ પોલીસે તેનાં માતા-પિતાની શોધ શરૂ કરી હતી. તપાસમાં પોલીસને જણાયું હતું કે બાળકીની માતા ૧૫ વર્ષની સગીરા છે. પાડોશમાં રહેતા ૨૧ વર્ષના યુવકે તેના પર બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવ્યા બાદ પુત્રીનો જન્મ થતાં બાળકીને કચરામાં ફેંકી દીધી હતી. આ કૃત્યમાં આરોપીના પરિવારજનો અને સગીરાનાં દાદી પણ સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ડિલિવરી બૉય તરીકે કામ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રવિવારે બારાવે ગામમાં પડેલા કચરાના ઢગલા પાસેથી પસાર થતા લોકોને નાના બાળકના રડવાનો અવાજ આવ્યો હતો. તપાસ કરતાં તેમને કોથળામાં લપેટાયેલી નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિક લોકોએ તરત જ બાળકીને કોથળામાંથી કાઢીને ખડકપાડા પોલીસને સોંપી હતી. પોલીસે તેને કલ્યાણની રુક્મિણીબાઈ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી.