પ્રેમીની હત્યા કર્યા પછી લાશ કોથળામાં નાખીને બાથરૂમમાં મૂકી અને નળ ચાલુ કરી દીધો

21 July, 2026 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મર્ડર કરીને કલકત્તા ભાગી ગયેલી કલ્યાણની યુવતીએ પોતે જ વૉઇસ-મેસેજ કરીને ઘરમાલિકને જાણ કરી

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણ-ઈસ્ટના માનપાડા વિસ્તારમાં નીલકંઠ સોસાયટીમાં એક યુવતીએ પોતાના જ પ્રેમીની ધારદાર હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ ગુનાની સૌથી ભયાનક બાબત એ છે કે આરોપી પ્રેમિકાએ હત્યાના પુરાવા નષ્ટ કરવા માટે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હતી. તેણે પ્રેમીની લાશને એક મોટા કોથળામાં ભરીને બાથરૂમમાં મૂકી દીધી હતી અને લાશ વહેલી સડી જાય તથા લોહીના ડાઘ ધોવાઈ જાય એ હેતુથી એના પર પાણીનો નળ ચાલુ રાખી દીધો હતો. આ મામલે ગઈ કાલે માનપાડા પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તેમ જ મરનાર યુવાન કોણ છે અને પ્રેમિકાનું શું નામ છે એ જાણવા ઉપરાંત આરોપી યુવતીને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

માનપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં એક મોટો અને નાટકીય ખુલાસો થયો છે. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ આરોપી યુવતી ઘટનાસ્થળેથી ભાગી છૂટી હતી અને સીધી કલકત્તા પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચ્યા બાદ તેણે ઘરમાલિકને એક વૉઇસ-મેસેજ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ફ્લૅટના બાથરૂમમાં એક લાશ પડી છે અને ત્યાં પાણીનો નળ ચાલુ રાખેલો છે. આ મેસેજ સાંભળતાં જ ઘરમાલિકના હોશ ઊડી ગયા હતા અને તેણે તાત્કાલિક અમને જાણ કરી હતી. બીજી તરફ બંધ ફ્લૅટમાંથી છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય દુર્ગંધ આવી રહી હોવાથી સોસાયટીના રહેવાસીઓને પણ શંકા ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતાં જ અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચી બહારથી લૉક મારેલા ફ્લૅટનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અમારા અધિકારીઓ ફ્લૅટની તલાશી લઈ રહ્યા હતા ત્યારે બાથરૂમમાંથી એક મોટો કોથળો મળી આવ્યો હતો, જે ખોલતાં એમાંથી અંદાજે ૪૦ વર્ષના એક પુરુષની સંપૂર્ણ સડી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ યુવકના માથા પર ધારદાર હથિયાર વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. હાલ અમે હત્યા અને પુરાવા નષ્ટ કરવાનો ગુનો નોંધીને ફૉરેન્સિક ટીમની મદદથી પુરાવા એકઠા કર્યા છે તેમ જ વૉન્ટેડ બનેલી આરોપી યુવતીને ઝડપી પાડવા માટે અમારી એક ટીમ કલકત્તા રવાના થઈ છે.’

mumbai news mumbai kalyan murder case mumbai police