ખતરનાક લોન ઍપ

24 May, 2022 07:43 AM IST  |  Mumbai | Mehul Jethva

કાલિનાના એન્જિનિયરે ૩.૭૫ લાખ સામે વ્યાજ સાથે ભર્યા ૧૫ લાખ રૂપિયા : એ માટે મમ્મી અને પત્નીના દાગીના વેચ્યા, ઘર ગિરવી રાખ્યું અને છેલ્લે કંટાળીને આત્મહત્યા કરવા પોતાના હાથની નસો પણ કાપી :

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : કોરોના પછી લોકોને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેનો ફાયદો ઉઠાવીને કેટલાક સાઇબર ગઠિયાઓ ઑનલાઇન ઍપ્લિકેશનના માધ્યમથી લોન આપ્યા પછી મૂળ રકમના ત્રણગણા પૈસા લે છે અને એ પછી પણ લોકોને પરેશાન કરતા હોવાના અનેક કિસ્સા મુંબઈમાં બહાર આવી રહ્યા છે. એમાં વધુ એક કિસ્સામાં કાલિના વિસ્તારમાં રહેતા એન્જિનિયરે ઑનલાઇન ઍપ્લિકેશનના માધ્યમથી ૩.૭૫ લાખ રૂપિયાની લોન લીધી હતી અને એના વ્યાજ સહિત ૧૫ લાખ રૂપિયા ભર્યા હતા. એમ છતાં વધુ પૈસા ભરવા માટે ફોન આવતા હોવાથી તેણે બાંદરાના સાઇબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.
કાલિના વિસ્તારમાં રહેતા અને એક મોટી કંપનીમાં ક્વૉલિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૩૨ વર્ષના રમેશ મહેતા (નામ બદલ્યું છે)એ ૨૦૨૧માં આર્થિક પરેશાની હોવાથી લેન્ડ મૉલ નામની ઍપ્લિકેશન પરથી ૧૫૦૦ રૂપિયાની લોન લીધી હતી જે તેણે આઠ દિવસની અંદર ૨૫૦૦ રૂપિયા આપીને ભરી દીધી હતી. એ પછી તેણે એ જ ઍપ્લિકેશન પરથી ૧૦,૦૦૦ રૂપિયાની લોન લીધી હતી. એમાં તેણે ૧૬,૦૦૦ રૂપિયા આપીને લોન પાછી ભરી દીધી હતી. એમ વારંવાર તેણે અલગ-અલગ ૧૦ ઍપ્લિકેશન પરથી ૩.૭૫ લાખ રૂપિયાની લોન લીધી હતી જેના સમયસર પૈસા ભરીને ૧૫ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એ પછી પણ તેને લોન ઍપ્લિકેશન તરફથી રિકવરી એજન્ટો ફોન કરીને લોન ભરવાનું કહેતા હતા. એની સાથે તેનો ફોટો મૉર્ફ કરીને તેના મિત્રની પત્નીને પણ મોકલ્યો હતો. એની સાથે-સાથે તેના સંબંધીઓ અને મિત્રોને પણ ફોન કરીને પરેશાન કરવામાં આવતા હોવાથી તેણે સાઇબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી.
રમેશ મહેતાએ વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોન રિકવરી એજન્ટ મને વારંવાર ફોન કરતો હોવાથી મેં મારી મમ્મી અને પત્નીના દાગીના વેચીને તેના પૈસા ભર્યા હતા. એમ છતાં પૈસા ઓછા પડતા હોવાથી મેં મારું ઘર ગિરવી રાખીને પૈસા ચૂકવ્યા હતા. આ બધાથી કંટાળીને આત્મહત્યા કરવા મેં મારા હાથની નસો કાપી હતી, પણ મારી વાઇફની મદદથી હું બચી ગયો હતો. આ તમામથી કંટાળીને મેં સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’
બાંદરાના સાઇબર વિભાગના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જે નંબરથી ફોન આવી રહ્યા છે એની તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાત જે નંબર પરથી ફોટો વાઇરલ થયા છે એનું આઇપી ઍડ્રેસ પણ કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ.’

mumbai news kalina